
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના હંસાપુર વિસ્તારમાં નગરપાલિકાના બોર પાસે તૂટેલા વીજ વાયરથી કરુણ અકસ્માત સર્જાયો હતો. બોર ચાલુ કરવા ગયેલા 42 વર્ષીય કાંતિજી સોમાજી ઠાકોરનો પગ અકસ્માતે ખુલ્લા વીજ વાયર પર પડતાં હાઈટેન્શન કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હંસાપુર મોટા ઠાકોરવાસમાં રહેતા અને મજૂરી કામ કરતા કાંતિજી ઠાકોર સાંજના સમયે નગરપાલિકાનો પાણીનો બોર ચાલુ કરવા ગયા હતા. દરમિયાન બોર પાસે વીજ વાયર તૂટેલી હાલતમાં નીચે પડેલો હતો. અજાણતાં પગ વાયર પર પડતાં તેઓ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. બનાવની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અંગે મૃતકના નાનાભાઈ વિષ્ણુજી સોમાજી ઠાકોરે પાટણ સીટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોત અને BNSSની કલમ 194 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ