
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) શહેરમાં
શ્વાન સાથે ક્રૂરતા આચરવામાં આવતી હોવાના બે અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં
આવ્યો છે. ભોજેશ્વર પ્લોટ અને બંગડી બજાર
વિસ્તારમાં બનેલા બનાવોને લઈને ઉદય કારાવદરા
ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા
સંબંધિત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
કરવામાં આવી છે.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ
ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં વાયરલ થયેલા વીડિયોમાં
શ્વાનને મારમારવામાં આવતો હોવાનું જણાય છે. આ
મામલે ટ્રસ્ટ દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ આપી વાયરલ વીડિયોને પુરાવા તરીકે લઈ
તપાસ કરવા, વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ કરી તેની સામે કાયદાકીય જોગવાઈ હેઠળ
કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ બંગડી બજાર વિસ્તારમાં પણ શ્વાન સાથે
મારપીટ કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે ટ્રસ્ટ દ્વારા કીર્તિમંદિર
પોલીસ સ્ટેશનમાં અલગ ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં વીડિયોની તપાસ
કરી તેમાં દેખાતા તમામ જવાબદાર વ્યક્તિઓની ઓળખકરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
કરવામાં આવી છે.
બંને ફરિયાદોમાં મૂંગા પ્રાણીઓ
સાથે ક્રૂરતા અટકાવવા અને ભવિષ્યમાં આવા
બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી
કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટે વાયરલ
વીડિયોની ગંભીરતાથી તપાસ કરી જવાબદારો સામે
કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya