



પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : વિઘ્નહર્તા
ભગવાન ગણેશજીના પાવન પર્વ
ગણેશ ચતુર્થીના દિવસે આજે સુદામાનગરી પોરબંદર ગણેશમય બની છે. પોરબંદર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના સાથે ગણેશોત્સવનો ભક્તિ ભાવભેર પ્રારંભ થયો છે.
વહેલી સવારથી જ ગણેશજીની સ્થાપનાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.શહેરની શેરી-ગલીઓમાં ગણેશ મંડળો દ્વારા આકર્ષક સજાવટ સાથે ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જ્યારે અનેક પરિવારોએ પોતાના ઘરમાં પણ વિઘ્નહર્તાની સ્થાપના કરીહતી. ગણપતિ બાપાના આગમન સમયે ઢોલ-નગારા, શરણાઈ, બેન્ડ વાજા અને ડીજેના તાલે ભક્તોએ ઉત્સાહભેર ઉજવણીકરી હતી. ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી સમગ્ર પોરબંદરનો માહોલ ભક્તિમય બની ગયો હતો.ગણેશોત્સવના પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની પૂજા-અર્ચના અને આરતી સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો. બાળકો, યુવાનો અને વડીલોમાં પણ ગણેશોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેરઠેર ગણેશમંડળો દ્વારા ભક્તો માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં આગામી પાંચ દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી થશે.પાંચ દિવસ દરમિયાન ભક્તિ, આસ્થાઅને ઉત્સાહનો માહોલ જળવાઈ રહેશે. વિઘ્નહર્તાની આરાધના સાથે સુદામાનગરી પોરબંદર આગામી પાંચ દિવસ સુધી ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya