
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં આગ સહિતની આકસ્મિક આપત્તિના સમયે નાગરિકોની જાનમાલની સુરક્ષા વધુ સુદૃઢ બને તે હેતુથી મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના કાફલામાં ૧૦ નવા અત્યાધુનિક વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજી અને જરૂરી સાધન-સામગ્રીથી સજ્જ આ નવા વાહનોના કારણે આગ તથા અન્ય આપત્તિના બનાવોમાં ફાયર વિભાગની રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી, સક્ષમ અને અસરકારક બનશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વાહન ફિટનેસ તથા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. જે હેઠળ છેલ્લા એક વર્ષ દરમિયાન જામનગર ફાયર સર્વિસના પોતાની નિર્ધારિત મુદત પૂર્ણ કરી ચૂકેલા ૧૪ જેટલા જૂના અને બિન-કાર્યક્ષમ વાહનોને કાયદેસર રીતે સેવામુક્ત કરવામાં આવ્યા હતા.
જૂના વાહનોને સ્ક્રૅપ કર્યા બાદ ફાયર અને ઇમરજન્સી સેવાઓને વધુ સુસજ્જ અને સક્ષમ બનાવવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ નવા અત્યાધુનિક વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ નવા કાફલામાં ૪ વોટર બાઉઝર, ૩ મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, ૨ મિની ફાયર ટેન્ડર અને ૧ ટોયોટા હાઇલેક્સ કોન્વોય વ્હીકલનો સમાવેશ થાય છે. આમ, કુલ ૧૦ નવા સુવિધાસભર વાહનો ફાયર વિભાગમાં ઉમેરાયા છે.
જામનગર શહેરમાં આવેલા સાંકડા અને ગીચ માર્ગો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ ઊંચી હાઇરાઇઝ ઇમારતોમાં જ્યારે આગ કે અન્ય કોઈ કુદરતી-માનવસર્જિત આપત્તિ સર્જાય, ત્યારે સ્થળ પર ઝડપથી પહોંચવું અત્યંત જરૂરી હોય છે. આ નવા વાહનોના આગમનથી આવી જટિલ પરિસ્થિતિમાં પણ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર સત્વરે પહોંચીને રાહત-બચાવ કામગીરી કરી શકશે.
છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સલામતી, જાનમાલનું સંપૂર્ણ રક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સેવાઓને વધુ સજ્જ તથા આધુનિક બનાવવા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ નવા ટેકનોલોજીકલ વાહનોનો કાફલામાં સમાવેશ પણ નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફનું એક અતિ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્વકનું પગલું માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt