જામનગરમાં પીએમ મોદીના જન્મદિવસ અંતર્ગત 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમનું આયોજન: સાંજે રણમલ તળાવમાં પ્રવેશ મફત
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા ''સેવા સંકલ્પ અભિયાન'' અંતર્ગત જામનગરમાં 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે બાલા હનુમાન મંદિર અને રણમલ તળાવ પરિસરમાં ''આશીર્વાદન
કોર્પોરેશન


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જામનગરમાં 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે બાલા હનુમાન મંદિર અને રણમલ તળાવ પરિસરમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના હજારો નાગરિકો એકસાથે દીપ પ્રગટાવીને ભાગ લેશે.

કાર્યક્રમને સુચારુ રીતે સંપન્ન કરવા માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં કાર્યક્રમની પૂર્વતૈયારીઓ, સુરક્ષા અને નાગરિકો માટેની સુવિધાઓ અંગે વિગતવાર આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. બેઠકમાં શહેરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

નાગરિકોની મોટી ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:00 થી 9:00 વાગ્યા સુધી રણમલ તળાવ ખાતે આવનાર તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ ઉજવણીનો હિસ્સો બની શકે.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી સામાજિક-ધાર્મિક સંગઠનોના હોદ્દેદારોએ પણ હાજરી આપીને જરૂરી સુચનો કર્યા હતા.

સ્થાનિક પ્રશાસન અને આયોજકો દ્વારા શહેરના તમામ શ્રદ્ધાળુઓ તથા નાગરિકોને આ દિવ્ય 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવણીને સફળ બનાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande