
અમદાવાદ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : 11મી સપ્ટેમ્બરે પતિ-પત્ની ગરબા ક્લાસમાંથી ઘરે જઈ રહ્યાં હતા, ત્યારે પતિની નજર સામે જ આરોપીએ ફૂલ સ્પીડે બાઈક હંકારી પત્નીને અડફેટે લીધી હતી. જે બાદ આરોપી સારવાર અર્થે હોસ્પિટલમાં હતો અને નજર ચુકવીને ફરાર થઈ ગયો હતો.
અમદાવાદના બોપલ-શીલજ વિસ્તારમાં બનેલી કાળજું કંપાવનારી અકસ્માતની ઘટનામાં બોપલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. નવપરિણીત મહિલા નિશીનું મોત નીપજાવનાર મુખ્ય આરોપી સુનિલ પરમારની પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરી લીધી છે.
અકસ્માત સર્જીને સોલા સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલો આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો, જેને પોલીસે સઘન તપાસના અંતે દબોચી લીધો છે.
અમદાવાદના શીલજમાં થયેલા અકસ્માત કેસના આરોપી સુનિલ પરમારની બોપલ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. બાઇક મૂકીને નાસી ગયો હતો જેના ભયાનક CCTV સામે આવ્યા હતા. ગરબા ક્લાસ બાદ ગણેશોત્સવનો સામાન લઈને પત્ની એક્સેસ પર અને પતિ બાઈક પર રાત્રે ઘરે જતા હતા. આ દરમિયાન શીલજ કેનાલ રોડ પર ટર્ન લેતી વખતે બેફામ સ્પીડમાં બાઈક ચાલકે ટક્કર મારી હતી. ત્યાર બાદ આરોપી બાઇક મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં કોરિયોગ્રાફર હાર્દિક દરજીની પત્ની નિશિ 10 ફૂટ સુધી ઢસડાઈ હતી. જેથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બે દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા પતિએ રડતા રડતા પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
સુનિલ ઘટનાસ્થળે જ બાઇક મૂકીને નાસી ગયો હોવાથી તપાસમાં બાઇક રાજસ્થાન પોલીસ હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત બાદ આરોપીને માથા અને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરતા 108 દ્વારા આરોપીને સોલા સિવિલ લઈ જવાયો હતો. જ્યાં આરોપી ભાનમાં આવતા પોલીસના ડરથી હોસ્પિટલથી મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાંથી બસમાં બેસી ડુંગરપુર પહોંચ્યો હતો.
આરોપીને ગંભીર ઇજા હોવા છતાં કોઈ સારવાર કરાવ્યા વિના ઘરે આરામ કરતો હતો.
બીજી તરફ પોલીસે સીસીટીવી તપાસ્યા અને જે ઘરમાં કામ કરતો હતો તેનું નિવેદન લીધું .હતું. જેમાં ખુલાસો થયો કે, સુનિલ ડુંગરપુરનો છે. જેથી બોપલ પોલીસની ટીમ એડ્રેસ લઈને ત્યાં પહોંચી હતી. પોલીસ આવતા આરોપીએ અકસ્માતની કબૂલાત કરી હતી. આરોપીને જાણ નહોતી કે અકસ્માતમાં યુવતીએ જીવ ગુમાવ્યો છે. જેવી પોલીસે આરોપીને જાણ કરી ત્યારે આરોપી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. આરોપીને અમદાવાદ લાવીને પોલીસે પ્રાથમિક સારવાર કરાવી હતી.
આ અંગે ડીવાયએસપી એ જણાવ્યું કે, આરોપી હોસ્પિટલથી મિત્રના ઘરે જતો રહ્યો હતો. મિત્રના ઘરેથી રાજસ્થાનના ડુંગરપુર પોતાના ઘરે ગયો હતો. આરોપી થલતેજમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો.
2 દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા પતિએ ન્યાયની માગ કરી હતી
અકસ્માતના 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતા મૃતકના પતિ હાર્દિકે રડતા રડતા વીડિયો બનાવી કહ્યું, મેં જે પોસ્ટ કરી છે તેમાં મને સપોર્ટ કરો. આરોપીને પકડીને કડક સજા અપાવવામાં આવે.બધા મારી નિશિને ન્યાય અપાવો. લોકો બેફામ ડ્રાઈવીંગ કરી રહ્યા છે જેના કારણે કેટલાય પરિવાર તૂટે છે. મારી મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને પોલીસ સમક્ષ માગ છે કે, આરોપીને કડકમાં કડક સજા આપો.
બોપલમાં રહેતો હાર્દિક દરજી પોતે કોરિયોગ્રાફર છે અને હાલમાં સાયન્સ સિટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા હાર્દિક અને પત્ની નિશિ 11મી સપ્ટેમ્બરે રાત્રે ગરબા ક્લાસમાં ગયા હતા. જ્યાંથી રાત્રે બંને અલગ અલગ વાહનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. બંને શીલજમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂરઝડપે આવેલા પલ્સર બાઈકના ચાલકે રોકેટ ગતિએ નિશિના વાહનનો ટક્કર મારતા 10 ફૂટ ઢસડાઈ અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. હચમચાવી નાખતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ