જામનગરમાં કરોડોની વ્યાજખોરી અને ધમકીના મામલે પોલીસકર્મી સહિત ચાર સામે ગુનો નોંધાયો
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગરમાં બદલી પામેલા પોલીસકર્મી અજયસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી કરોડો રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલાત અને વ્યાજખોરી
ફરિયાદ


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગરમાં બદલી પામેલા પોલીસકર્મી અજયસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી કરોડો રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલાત અને વ્યાજખોરી કરવા અંગે ગંભીર ગુનો નોંધાતાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમગ્ર મામલે ફરિયાદી પુષ્પરાજસિંહ રાણાએ આક્ષેપ કર્યો છે કે રેતીની લીઝના કામ માટે લીધેલા રૂ. ૫૦ લાખ સામે વ્યાજ અને રોકડ મળીને રૂ. ૧.૦૫ કરોડ કરતાં વધુની રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા વધુ નાણાં મેળવવા માટે સતત માનસિક અને શારીરિક દબાણ બનાવવામાં આવી રહ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ વડોદરા ખાતે ફરિયાદીને ધમકી આપીને બળજબરીથી રૂ. ૨ કરોડ હાથઉછીના લીધા હોવાના નોટરાઇઝડ લખાણો કરાવી લીધા હતા. આ લખાણોના આધારે ચેક મેળવી, તે બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવીને કાયદેસરની નોટિસો પાઠવી ફરિયાદી તથા તેમના સગા-સંબંધીઓને પણ ધમકીઓ આપવામાં આવતી હતી.

આ ગંભીર મામલાની રજૂઆત રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય સમક્ષ કરવામાં આવતાં, તેમણે ફરિયાદ નોંધવાના સ્પષ્ટ આદેશો આપ્યા હતા. જેના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમે જામનગર પહોંચી તમામ આરોપીઓના નિવાસ્થાને તપાસ હાથ ધરી જરૂરી નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરી છે.

ફરિયાદી પાસે વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ અને આંગડિયા પહોંચ જેવા પુરાવા હોવાનું સામે આવ્યું છે. એસઆઈટી દ્વારા હાલ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande