
- કુદરતી જળસ્રોતોના જતન અને સુરક્ષા અર્થે કલેક્ટરની અપીલ
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત શ્રીજીની મૂર્તિઓના વિસર્જન દરમિયાન પર્યાવરણની સુરક્ષા તેમજ નાગરિકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા વિવિધ સ્થળોએ કૃત્રિમ કુંડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે સંદેશો પાઠવતા ગાંધીનગર જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, શ્રી ગણેશજી સાથે જોડાયેલો આનંદ અને ઉલ્લાસનો આ પાવન પર્વ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ અને પ્રકાશ લઈને આવે છે. પરંતુ આપણી નાનકડી બેદરકારીના કારણે આ ખુશીનો માહોલ ક્યારેય દુઃખમાં ન પરિવર્તિત થાય તે જોવું આપણા સૌની જવાબદારી છે. નાગરિકોની સુરક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ત્યારે સૌ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે વહીવટીતંત્રને પૂર્ણ સહયોગ આપો. કોઈ પણ વ્યક્તિએ જીવનું જોખમ ખેડીને ઊંડા નદી, તળાવ કે જળાશયોમાં જવાનું ટાળવું જોઈએ અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું શ્રદ્ધાપૂર્વક વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવું જોઈએ.
ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે નીચે મુજબના સ્થળોએ કૃત્રિમ કુંડ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર:
૧. સુખડેશ્વર મહાદેવ, પેથાપુર
૨. સેક્ટર-૩૦, સાબરમતી નદી બ્રિજ પાસે
૩. ધોળેશ્વર મહાદેવ
૪. સંત સરોવર, ઈન્દ્રોડા
૫. કોટેશ્વર મહાદેવ
૬. ભાટ ટોલ પ્લાઝા
૭. સિગ્નેચર બ્રિજ, પી.ડી.પી.યુ. રોડ
દહેગામ નગરપાલિકા વિસ્તાર:
૧. પાલૈયા તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર
૨. ઊંટડિયા મહાદેવ (ઉંઠેશ્વર મહાદેવ), તા. ખેડા
માણસા નગરપાલિકા વિસ્તાર:
૧. હેત્વા તળાવ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકો અને ગણેશ મંડળોને કુદરતી જળસ્રોતોના જતન અને સુરક્ષાના હેતુથી નિયત કરાયેલા કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરી પર્યાવરણ રક્ષણ અને સુરક્ષામાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ