જામનગરની હાપા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક છતાં છૂટક બજારમાં ભાવ આસમાને: શહેરીજનો મોંઘવારીથી પરેશાન
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની પ્રખ્યાત હાપા માર્કેટિંગ યાર્ડમાં ભાદરવા માસના વરસાદી માહોલ વચ્ચે વિવિધ જણસીઓની સરેરાશ આવક મર્યાદિત રહી છે. તેમ છતાં, યાર્ડમાં સુકી ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે યાર્ડમાં ડુંગળ
હાપા યાર્ડ


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરની પ્રખ્યાત હાપા માર્કેટિંગ યાર્ડમાં ભાદરવા માસના વરસાદી માહોલ વચ્ચે વિવિધ જણસીઓની સરેરાશ આવક મર્યાદિત રહી છે. તેમ છતાં, યાર્ડમાં સુકી ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે યાર્ડમાં ડુંગળીનો ભરપૂર જથ્થો ઠલવાઈ રહ્યો હોવા છતાં જામનગર શહેરના છૂટક બજારમાં ગ્રાહકોને રાહત મળી નથી. શહેરીજનોને હાલ કિલોના ૫૦ થી ૬૦ રૂપિયા જેવા ઊંચા ભાવ ચૂકવીને ડુંગળી ખરીદવાની ફરજ પડી રહી છે.

હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદી મુજબ, આજે બુધવારે યાર્ડમાં સુકી ડુંગળીની કુલ ૧૮૦૭ ગુણી એટલે કે ૩૬૧૪ મણની આવક થવા પામી હતી. આ જથ્થો આશરે ૭૫ જેટલા ખેડૂતો દ્વારા વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો, જેમાંથી ૨૦૧૫ ગુણી ડુંગળીનું સફળતાપૂર્વક વેચાણ થયું હતું. યાર્ડમાં હોલસેલ ભાવ વ્યાજબી હોવા છતાં છૂટક વિક્રેતાઓ દ્વારા લેવાતા વધુ ભાવને કારણે ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ પડી રહ્યો છે.

આજના દિવસે હાપા માર્કેટિંગ યાર્ડમાં એકંદર જણસીની આવક પર નજર કરીએ તો, ૨૪૪ જેટલા ખેડૂતો દ્વારા કુલ ૪૧૯૮ ગુણી એટલે કે ૧૦૩૧૪ મણ માલ લાવવામાં આવ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે અન્ય જણસીઓની આવક થોડી ધીમી રહી હતી. યાર્ડમાં વિવિધ પાકોના સોદા દરમિયાન ભાવોમાં ખાસ્સી વિવિધતા જોવા મળી હતી.

યાર્ડમાં આજે હરાજી દરમિયાન સૌથી વધુ બોલી અજમાના પાકમાં જોવા મળી હતી. અજમાનો ભાવ પ્રતિ મણ ૩૧૫૦ થી ૪૬૫૫ રૂપિયા સુધી બોલાયો હતો, જે આજના દિવસનો સૌથી ઊંચો ભાવ રહ્યો હતો. આ ઉપરાંત અજમાની ભુસીના ભાવ ૪૨૫ થી ૧૯૪૯ રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા.

અન્ય મુખ્ય પાકોના પ્રતિ મણ ભાવો પર નજર કરીએ તો બાજરી ૩૧૫ થી ૪૧૫, ઘઉં ૪૪૫ થી ૫૫૮, મગ ૫૦૦ થી ૫૫૦, અડદ ૧૨૫૦ થી ૧૩૦૦, તુવેર ૬૫૦ થી ૧૦૮૦, ચોરી ૭૭૫ થી ૮૦૫, અને ચણા ૧૨૩૦ થી ૧૨૪૯ રૂપિયા રહ્યા હતા. જ્યારે રોકડિયા પાકોમાં મગફળી ૧૦૦૦ થી ૧૨૦૦, તલી ૨૦૦૫ થી ૨૪૦૦, રાયડો ૧૭૦૦ થી ૧૮૧૫, કપાસ ૧૭૭૦ થી ૨૦૪૫, જીરું ૩૫૦૦ થી ૪૨૦૫ અને સિંગદાણા ૧૫૦૦ થી ૧૮૦૫ રૂપિયાના ભાવે વેચાયા હતા.

મસાલા અને શાકભાજી પાકોમાં લસણ ૮૦૦ થી ૨૩૦૦, ધાણી ૧૫૦૦ થી ૨૭૭૫, વટાણા ૭૭૫ થી ૮૦૦ તથા કલોંજી ૩૧૦૦ થી ૩૮૦૦ રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. યાર્ડમાં દેશી ડુંગળી ૨૦૦ થી ૮૮૦ રૂપિયા જ્યારે નાસિક ડુંગળી ૮૦૦ થી ૧૧૦૦ રૂપિયા પ્રતિ મણના ભાવે હરાજીમાં વેચાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande