

- નિષ્પક્ષ તપાસની માંગ સાથે હોસ્પિટલનો ઘેરાવ
કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરાની ખાનગી ગીતા હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલી રાગિણી સુબોધ મહંતોનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. મહિલાના પરિવારજનો તથા સ્થાનિક આગેવાનોએ સારવારમાં ગંભીર બેદરકારી થઈ હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલ સામે વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ મથકે રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રાગિણી મહંતોને 4 સપ્ટેમ્બરના રોજ ડિલિવરી માટે ગીતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તબીબો દ્વારા સિઝેરિયન પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ મહિલાની તબિયતમાં ગંભીર બગાડ થયો હતો. પરિવાર તરફથી એનેસ્થેસિયાના વધુ ડોઝ આપવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહિલાને વધુ સારવાર માટે ભુજની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં 14 સપ્ટેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું. મૃતક ત્રણ બાળકીઓની માતા હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે.
મહિલાના મોત બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ટોળાએ હોસ્પિટલ ખાતે પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલમાં જરૂરી તબીબી સુવિધાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને પૂરતી એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટર જેવી જીવનરક્ષક સુવિધાઓ ઉપલબ્ધ હતી કે નહીં તે અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિક આગેવાન અજયસિંહ જાડેજાએ મહિલાના મોત માટે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે નિતેશ સેંઘાણીએ પણ અગાઉ પોતાની પત્નીની સારવાર દરમિયાન બેદરકારી થઈ હોવાનો આક્ષેપ રજૂઆત દરમિયાન કર્યો હતો.
બીજી તરફ ગીતા હોસ્પિટલના તબીબો ડો. કુંદન મોદી અને ડો. વિનોદ પ્રજાપતિએ ઓવરડોઝના આક્ષેપને નકારી કાઢ્યો છે. તેમના જણાવ્યા મુજબ દર્દીને સ્પાઇનલ એનેસ્થેસિયાનું રિએક્શન આવ્યું હતું અને બાળકના જીવને જોખમ હોવાથી જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરવું પડ્યું હતું.
હવે મેડિકલ ફાઇલ, સારવારના રિપોર્ટ, દવાના રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ કબજે કરી મેડિકલ બોર્ડ મારફતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હોસ્પિટલમાં તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar