
કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી નીકળેલા ભવ્ય વરઘોડાએ નગરમાં સર્જ્યો ધાર્મિક માહોલ, જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા. મુંદ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી દરમિયાન ધાર્મિક આસ્થા અને ભક્તિનો વિશેષ માહોલ જોવા મળ્યો હતો. તપગચ્છ જૈન સંઘ દ્વારા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે માતા ત્રિશલા દેવીને આવેલા 14 મહાસ્વપ્નોની પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જૈન ધર્મની માન્યતા મુજબ ભગવાન મહાવીરના જન્મ પૂર્વે માતા ત્રિશલા દેવીએ જોયેલા 14 મહાસ્વપ્નોને વિશેષ આધ્યાત્મિક મહત્વ આપવામાં આવે છે. આ પ્રસંગે જિનાલયમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ધાર્મિક પ્રસંગમાં ભાગ લીધો હતો અને સમગ્ર જિનાલય પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
14 મહાસ્વપ્નોની ઉછામણીની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનનો ભવ્ય વરઘોડો યોજાયો હતો. બેન્ડબાજા અને ઢોલના તાલ સાથે નીકળેલા આ વરઘોડામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જિનાલયથી પ્રસ્થાન કરેલો વરઘોડો મુંદ્રા નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો, જેના કારણે સમગ્ર માર્ગ પર ધાર્મિક માહોલ છવાયો હતો.
નગરમાં પરિભ્રમણ કર્યા બાદ વરઘોડો પ્રસંગના લાભાર્થી રમાકાંત હીરાલાલભાઈ પરિવારના નિવાસસ્થાને પહોંચ્યો હતો, જ્યાં ધાર્મિક કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા, અદાણી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, જયદીપ શાહ, ભાવેશ ડોડા અને રિતેશ પરીખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પાંચેય ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ધાર્મિક પ્રસંગને ભવ્ય બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ભરત મહેતાની આગેવાનીમાં વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. પર્યુષણ પર્વ દરમિયાન યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે મુંદ્રાના જૈન સમાજમાં એકતા, ભક્તિ અને ધાર્મિક પરંપરાઓની જીવંત ઝલક જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar