માંડવીના પોલડીયામાં LCBનો દરોડો: 6 ઝડપાયા, રૂ.1.01 લાખ રોકડ જપ્ત
કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકાના પોલડીયા ગામમાં મકાનના આંગણે ચાલતી તીનપત્તીની જુગારની પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી છ વ્યક્
માંડવી ખાતે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકાના પોલડીયા ગામમાં મકાનના આંગણે ચાલતી તીનપત્તીની જુગારની પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી છ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹1,00,900ની રોકડ અને ગંજીપાનાં જપ્ત કર્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ દ્વારા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના હેઠળ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન મકડા ગામના બસ સ્ટેશન નજીક પોલીસ ટીમને બાતમી મળી હતી. મળેલી માહિતી અનુસાર, પોલડીયા ગામમાં ભરતસિંહ જાડેજાના મકાનના આંગણામાં બહારથી લોકોને બોલાવી ગંજીપાનાં વડે તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હોવાની જાણકારી પોલીસને મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ગંજીપાનાં વડે તીનપત્તીની રમત રમતા છ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન ભરતસિંહ સજુભા જાડેજા, દિલુભા આમરજી જાડેજા, મહીપતસિંહ વજેસંગ જાડેજા, અશરફ ફકીરમામદ નાયા, કાસમ ઓસમાણ ભટ્ટી અને રહેમતુલ્લા નુરમામદ ભટ્ટીને પકડવામાં આવ્યા હતા. આરોપીઓ માંડવી તાલુકાના પોલડીયા, મકડા અને શેરડી ઉપરાંત ભુજના માધાપર તથા ઝુરા વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.

પોલીસે સ્થળ પરથી ₹1,00,900ની રોકડ રકમ ઉપરાંત ₹3ની કિંમતના 52 ગંજીપાનાં મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે જુગાર સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી ગઢશીશા-માંડવી વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બને તેવો સંદેશ મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande