
ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : યમુના કિનારે આગ્રામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ઋષિ પંચમી’ ચાલી રહી છે, જેમાં વિરાટ સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે. કથાના બીજા દિવસે મોરારિબાપુએ ઋષિ અને મુનિ સંદર્ભે ચિંતન રજૂ કર્યું હતું. તેમણે બંનેની ભૂમિકાને મહત્વપૂર્ણ અને વંદનીય ગણાવી હતી.
મોરારિબાપુએ ઋષિ સાથે પ્રતિષ્ઠા તત્ત્વ અને મુનિ સાથે નિષ્ઠા તત્ત્વનું રસપ્રદ નિરૂપણ કરતાં જણાવ્યું કે ઋષિ અને મુનિ બંને મળી જાય ત્યારે પરમ સાધુની પ્રાપ્તિ થાય છે. કથાના પ્રારંભમાં વિવિધ વંદનાઓ કરવામાં આવી હતી. આ દરમિયાન તુલસીદાસજીએ કરેલી વંદનામાં માતૃશક્તિને આપવામાં આવેલા સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મોરારિબાપુએ કહ્યું કે રામકથાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા વિના તુલસીદાસજીને નારીનિંદક ગણાવવામાં આવે છે. ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનારને ધાર્મિક કેવી રીતે ગણવા તે અંગે તેમણે રંજ વ્યક્ત કર્યો હતો. ભારતીય સનાતન ચિંતન પરંપરામાં માતૃવંદનાના મહાત્મ્ય પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.
આ સંદર્ભે ‘જનક સુતા જગ જનની જાનકી, અતિસય પ્રિય કરુણાનિધાનકી...’ પંક્તિનો ઉલ્લેખ કરી પુત્રી, માતા અને પત્નીના નિરૂપણમાં માતા માધ્યમ અને કેન્દ્રસ્થાને હોવાનું સમજાવ્યું હતું.
આ રામકથામાં સ્થાનિક ભાવિકો ઉપરાંત ગુજરાત, દેશના અન્ય પ્રાંતો તેમજ વિદેશથી પણ કથાપ્રેમી શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA