

- યુવાઓને HIV/AIDS, ટીબી અને સિકલ સેલ અંગે જાગૃતિ સાથે સુરક્ષિત વર્તનનો સંદેશ અપાયો.
રાજપીપળા, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) તથા ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS)ના માર્ગદર્શન હેઠળ દિશા ક્લસ્ટર યુનિટ, વડોદરા તથા દિશા યુનિટ, નર્મદા દ્વારા ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળા ખાતે HIV/AIDS અંગે જનજાગૃતિ હેતુથી યોજાયેલ રેડ રન મેરેથોનને રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શીવાની મહેતા, ડિસ્ટ્રિક્ટ ટીબી-એચઆઈવી ઓફિસર ડૉ.ઝંખના વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ રેડ રન મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.ઓ. માઢકના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં HIV/AIDS અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રેડ રન મેરેથોનમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ HIV/AIDS અંગે જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.
મેરેથોનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહનરૂપે સર્ટિફિકેટ તથા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજપીપળા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એ.કે સુમન, કોલેજના આચાર્ય, દિશા ક્લસ્ટર યુનિટ વડોદરા ટીમ તથા NACP નર્મદાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન યુવાઓને HIV/AIDS અંગે સાચી માહિતી, સંક્રમણથી બચવાના ઉપાયો, સુરક્ષિત વર્તન તથા HIV સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. QR કોડ દ્વારા Self Risk Assessment પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી, જેમાં યુવાઓએ પોતાના HIV સંક્રમણના જોખમનું સ્વમૂલ્યાંકન કર્યું હતું.
આ ઉપરાંત, સિકલ સેલ રોગ અને ક્ષયરોગ (ટીબી)ના લક્ષણો, સમયસર તપાસ, સારવારની ઉપલબ્ધતા, સારવાર પૂર્ણ કરવાની આવશ્યકતા તથા રોગના નિવારણ અને નિયંત્રણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત યુવાઓને સમયાંતરે રક્તદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા તેમજ રક્તદાન અને અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ