
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં 59મા એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અને ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), ગુજરાત સ્ટેટ સેન્ટર–અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સર એમ. વિશ્વેશ્વરૈયાના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. Engineering Excellence for a Sustainable and Technologically Sovereign India થીમ હેઠળ યોજાયેલી ઉજવણીમાં એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી.
મુખ્ય મહેમાન બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને એન્જિનિયરો સાથે સંવાદ કર્યો હતો. તેમણે દેશના વિકાસમાં એન્જિનિયરોના મહત્વ પર ભાર મૂકતાં નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પહોંચાડવા, જ્યોતિગ્રામ યોજના અને આધુનિક ટેક્નોલોજી જેવા ઉદાહરણો આપ્યા હતા.
કાર્યક્રમમાં IEI ગુજરાત સ્ટેટ સેન્ટરના ચેરમેન એન્જિનિયર એમ. ડી. પટેલ સહિતના મહાનુભાવો, વાઇસ ચાન્સેલર પ્રોફેસર એમ. એસ. રાવ, રજિસ્ટ્રાર ચેતનસિંહ વાઘેલા, ડીન, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુવા એન્જિનિયરો સંશોધન અને ટેક્નોલોજી દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ