
ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસેવા થી રાષ્ટ્ર સેવાના વડાપ્રધાનના સંકલ્પને બીરદાવવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે ૧૦ હજારથી વધુ લોકોએ ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી વડાપ્રધાનની સેવા અને સમર્પણને બીરદાવ્યું હતું.
સલૂણી સંધ્યાએ ઘૂઘવતા સાગરના મોજાઓ પણ જ્યારે તન્મયતાથી આ વાતનો સૂર પૂરાવતા હોય તે રીતે અને મંદિરની મધુર ઘંટારવ સાથેની આરતી સાથે તાદાત્મય મિલાવીને ઉપસ્થિત હજારો લોકોએ મહાઆરતી દ્વારા વડાપ્રધાનની ૨૫ વર્ષની અવિરત ભવ્ય જનસેવાને એક પ્રકારે આવકારી હતી.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મંદિર પરિસરમાં ડમરૂનો નાદ કરીને ભગવાન ભોળાનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણીનો શંખનાદ કર્યો હતો.
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસવડા જયદિપસિંહ જાડેજા, મંદિરના ટ્રસ્ટી જે.ડી.પરમાર, મંદિર જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના દીર્ઘ શાસનને બીરદાવવા આજથી એક મહિના સુધી રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાનની શરુઆત થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે સેવા મારુ યોગદાન અંતર્ગત જિલ્લાભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આજે સવારે સોમનાથ મંદિરના પરિસરમાં વડાપ્રધાનશ્રીની ૨૫ વર્ષની જનસેવાને બીરદાવતા ૨૫નો અંક લખેલા દીપની માનવસાંકળ રચવામાં આવી હતી.
જિલ્લામાં સોમનાથ મંદિર ઉપરાંત બ્રહ્મકુંડ મંદિર, બ્રહ્માકુમારી, બિરલા મંદિર સહિતના વિવિધ સ્થળોએ 'આશીર્વાદનો દીવડો' અને આરતી કાર્યક્રમમાં સહભાગી થઈ નાગરિકોએ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી તેમના કાર્યકાળને બીરદાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ