પાટણમાં ડેટિંગ એપથી યુવકને બોલાવી છરીની અણીએ ₹22,500ની લૂંટ
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુવકોને ટાર્ગેટ બનાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણમાં ‘ગ્રીન્ડર’ એપ્લિકેશન મારફતે બાઇક સર્વિસના બહાને યુવકને બોલાવી મારઝૂડ કરી રોકડ, ચાંદીની વીંટી અને ઓનલાઇન ટ્રાન્સફર દ
પાટણમાં ડેટિંગ એપથી યુવકને બોલાવી છરીની અણીએ ₹22,500ની લૂંટ


પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુવકોને ટાર્ગેટ બનાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણમાં ‘ગ્રીન્ડર’ એપ્લિકેશન મારફતે બાઇક સર્વિસના બહાને યુવકને બોલાવી મારઝૂડ કરી રોકડ, ચાંદીની વીંટી અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 22,500ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.

પાટણની હરીકૃપા સોસાયટીમાં રહેતા અને સિદ્ધપુર ચાર રસ્તા પાસે એ.એસ.આર. ઓટો ઇલેક્ટ્રિક દુકાનમાં ગેરેજનું કામ કરતા અનિલ રાવળે ફરિયાદ નોંધાવી છે. એક મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર મળેલી લિંકથી તેમણે ‘ગ્રીન્ડર’ એપ ડાઉનલોડ કરી હતી. ઘટનાના દિવસે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા બાદ બાઇક સર્વિસના બહાને તેમને નિર્મળ નગર રોડ રામનગર ફાટક પાસે બોલાવવામાં આવ્યા હતા.

યુવક સ્કૂટર પર સ્થળે પહોંચ્યા બાદ એક શખ્સ તેમને સદારામ એસ્ટેટ ખાતે લઈ ગયો હતો. ત્યાંથી રામનગર ઘેટા ફાર્મ તરફ જતા સમયે અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ 3 શખ્સોએ બાઇકથી સ્કૂટરને ટક્કર મારી હતી. ત્યારબાદ અન્ય 2 શખ્સો પણ આવી પહોંચ્યા હતા. તમામ 6 શખ્સોએ યુવકને માર મારી ખોટો કેબલ ચોરીનો આક્ષેપ કર્યો હતો.

આરોપીઓ પૈકી એકે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવક પાસેથી રૂ. 500 રોકડા અને રૂ. 2,500ની ચાંદીની વીંટી કઢાવી લીધી હતી. વધુમાં ફોન-પેનો પાસવર્ડ મેળવી પરેશકુમાર અમરતજી ઠાકોરના ખાતામાં રૂ. 19,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ કુલ રૂ. 22,500ની લૂંટ ચલાવવામાં આવી હતી.

આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 310(2), 311, 281 અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.આર. પટેલે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા અને અજાણી ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી થતા આવા ગુનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande