



પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે ‘સ્વચ્છતા હી સેવા–2026’ અંતર્ગત અને ‘વંદે માતરમ’ ગીતને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે તથા ‘સ્વચ્છતા હી સેવા–2026’ તેમજ 'વિકસિત ભારત કાર્યક્રમ' અંતર્ગત ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પોતાના સ્વપ્નનું ભારત’ વિષય પર યોજાયેલી આ ડ્રોઈંગ સ્પર્ધામાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના કલ્પનાના ભારતને ચિત્રોના માધ્યમથી રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને ‘વંદે માતરમ’ ગીતના ઐતિહાસિક અને રાષ્ટ્રનિર્માણમાં રહેલા મહત્વ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને ‘વંદે માતરમ’ ગીતનું કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. ડ્રોઈંગ સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે પોરબંદર-છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, કોર્પોરેટર હેતલબેન થાનકી, સાગરભાઈ ઓડેદરા તેમજ કિશનભાઈ રાઠોડ, રણછોડભાઈ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા ‘વંદે માતરમ’ ગીતના રાષ્ટ્રભાવના જાગૃત કરવામાં તથા રાષ્ટ્રનિર્માણમાં રહેલા મહત્વ વિશે સમજ આપી હતી. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya