
ભાવનગર,18 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત દૈનિક થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા નાના બાળકોમાં રમત-ગમત, સર્જનાત્મકતા અને શૈક્ષણિક વિકાસ સાથે આરોગ્ય તથા પોષણ અંગેની સમજ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દૈનિક થીમ મુજબ યોજાયેલી પ્રવૃત્તિ દરમિયાન બાળકોને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે અંગે સરળ અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી. બાળકોને શરીરના યોગ્ય વિકાસ માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર કેટલો જરૂરી છે તે સમજાવવામાં આવ્યું હતું. દૂધ, દહીં, દાળ, કઠોળ, લીલા શાકભાજી, વિવિધ પ્રકારના ફળો તથા અનાજ જેવા પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાકના ફાયદા સમજાવવામાં આવ્યા હતા.
સાથે જ વધુ પડતા પેકેટબંધ નાસ્તા, ચિપ્સ, ઠંડા પીણાં, ચોકલેટ, વધુ પડતી મીઠાઈ તથા અન્ય બિનપૌષ્ટિક ખાદ્યપદાર્થોનું સેવન ટાળવા બાળકોને સમજ આપવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવી, ભોજન પહેલાં અને પછી હાથ ધોવા તથા સ્વચ્છ અને તાજો ખોરાક લેવાની ટેવ વિકસાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA