


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માણેકચોક ખાતે મહાસફાઈ અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણી અને ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સહભાગી બની સફાઈ કામગીરી હાથ ધરી હતી. આ મહાસફાઈ અભિયાનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર કિશન ગરસર, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, કોર્પોરેટર હર્ષદભાઈ બામણીયા, ક્રિષ્નાબેન કોટિયા, પ્રતાપભાઈ ઓડેદરા, આશાબેન સોલંકી, રાજેશભાઈ લોઢારી, ભરતભાઈ વાઘ, સાગરભાઈ ઓડેદરા, ખ્યાતિબેન લોઢારી, લીલાબેન લાખાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત તા.17સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી વિવિધ સ્વચ્છતા અને જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે માણેકચોક ખાતે યોજાયેલા મહાસફાઈ અભિયાનમાં સૌએ સાથે મળીને સ્વચ્છતા જાળવવા અને શહેરને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની પોતાના આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા તેમજ કચરો જાહેર સ્થળોએ ન નાખી કચરાનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya