જોડીયા પંથકના ૮ ગામોના ખેડૂતોની પાણી માટે કલેક્ટરને ગુહાર: ઉંડ-૧ ડાબા કાંઠા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માંગ
જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ઓછા વરસાદને કારણે ખેતીના પાક પર સંકટ ઘેરાયું છે, જેને પગલે ફલ્લા સેક્શન હેઠળ આવતા આઠ ગામોના ખેડૂતોએ સિંચાઈનું પાણી છોડવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. ફલ્લા સ
ખેડૂતો ની રજૂઆત


જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ઓછા વરસાદને કારણે ખેતીના પાક પર સંકટ ઘેરાયું છે, જેને પગલે ફલ્લા સેક્શન હેઠળ આવતા આઠ ગામોના ખેડૂતોએ સિંચાઈનું પાણી છોડવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.

ફલ્લા સેક્શન હેઠળ આવતા સોયલ, નથુવડલા, મજોઠ, આણંદા, નેસડા, વાવડી, લીંબુડા અને હડીયાણા ગામોના ડેમો કે ચેકડેમોમાં હાલ પૂરતો જળસંચય ન હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે તાત્કાલિક સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. વાવડી ગ્રામ પંચાયત સહિતના ખેડૂતોએ સૌની યોજના અથવા ઉપલબ્ધ ડેમમાંથી પાણી છોડીને છેવાડાના ખેતરો સુધી પહોંચાડવા માંગ કરી છે.

ખેડૂતોએ આવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા ૧૫ દિવસથી જામવંથલી સેક્શનમાં સૌની યોજનાની એરવાલ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ ત્યાં તાજેતરમાં સારો વરસાદ થવાથી ચેકડેમો ભરાયેલા છે અને પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી છે. આથી, જામવંથલી વિસ્તારની માઇનોરો હાલ પૂરતી બંધ કરી તે પાણી ફલ્લા સેક્શનના ગામો તરફ ડાઇવર્ટ કરવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

આ ઉપરાંત પાણી છોડવાની કામગીરી દરમિયાન કોઈ અડચણ કે વિવાદ ન સર્જાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત ફાળવવાની પણ અપીલ કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાની આ ન્યાયી માંગણી તરફ તંત્રનું ધ્યાન દોરવા માટે આવેદનપત્રની નકલો ઉંડ-૧ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર, જામનગરના સાંસદ પુનમબેન માડમ, ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાને પણ મોકલી આપીને વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવાની રજૂઆત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande