
સુરત, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે પણ રોજગાર મેળો યોજાયો હતો.
દેશભરના 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળા દરમિયાન 51 હજારથી વધુ યુવાનોને વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યુવાનોને સંબોધ્યા હતા.
સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા 158 ઉમેદવારોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરત ખાતે હાજર ન રહી શકેલા ઉમેદવારો સહિત કુલ 265ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને સરકારી સેવામાં જોડાયા બાદ ‘નાગરિક દેવો ભવ’ની ભાવના સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કર્મચારીઓને પ્રામાણિકતા, સંવેદનશીલતા, સમયબદ્ધતા અને સેવાભાવ સાથે જવાબદારી નિભાવવાનું આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે નિમણૂક પત્ર મેળવનારા યુવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારી નોકરી સાથે યુવાનોને રાષ્ટ્રસેવાનો અવસર પણ મળ્યો છે. તેમણે યુવાનોને ઈમાનદારી અને સેવાભાવ સાથે ફરજ બજાવવા અપીલ કરી હતી.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે સરકારી કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવા માટે નવી ટેકનોલોજી અને નવીન કાર્યપદ્ધતિનો સ્વીકાર જરૂરી છે. યુવાનો નવીનતા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સરકારી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
રોજગાર મેળામાં આવકવેરા વિભાગ, ટપાલ વિભાગ, રેલવે, બેન્કિંગ ક્ષેત્ર અને જળશક્તિ વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સીસીઆઈટી ગુજરાતના પ્રિન્સિપાલ વિવેક વાડેકર, સુરતના સીસીઆઈટી એમ. સી. સ્વાઇન, સુરતના સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, સુરતના મેયર માયાબેન માવાણી સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે