
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)
શંખેશ્વર ખાતે 108 પાર્શ્વનાથ જૈન દેરાસરના સંકુલમાં આવેલા ક્વાર્ટર્સમાં આસી. મેનેજર મયંક શાહ દ્વારા ‘108 કા રાજા’ ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણપતિબાપાની પૂજા, આરતી અને ભક્તિ કાર્યક્રમો યોજાયા હતા. દરરોજ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
શનિવારે ગણપતિબાપાની વિધિવત પૂજા અને આરતી બાદ વાજતે-ગાજતે વિસર્જન યાત્રા યોજાઈ હતી. ગણપતિબાપાની પ્રતિમાને ભક્તિભાવ સાથે રૂપેણ નદી ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં આરતી અને ધાર્મિક વિધિ બાદ ગણપતિબાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ વિસર્જન પ્રસંગે મેનેજર બ્રિજેશ ભંડારી, મયંક શાહ, સચિન રાવલ સહિત અંદાજે 200 જેટલા લોકો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ગણપતિબાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ ઉપરાંત મયંક શાહ દ્વારા બપોરના સમયે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ