ગાંધીનગરમાં ઈકો-ફ્રેંડલી ગણેશોત્સવ: ઉત્સવ પણ ઉજવીએ અને પ્રકૃતિનું જતન પણ કરીએ
ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગરમાં કુડાસણ ખાતે આવેલ સ્વાગત રેઇનફોરેસ્ટ-૧ સોસાયટીમાં વર્ષ ૨૦૧૨થી ગણેશોત્સવની પરંપરા ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયો
ગણેશ મહોત્સવ


ગણેશ મહોત્સવ


ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગરમાં કુડાસણ ખાતે આવેલ સ્વાગત રેઇનફોરેસ્ટ-૧ સોસાયટીમાં વર્ષ ૨૦૧૨થી ગણેશોત્સવની પરંપરા ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને વધુ એક પગલું આગળ લઈ જઈને સોસાયટી દ્વારા ૧૦૦% ઈકો-ફ્રેંડલી ગણેશોત્સવ ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો.

આ પહેલ અંતર્ગત ગણેશજીની મૂર્તિ માટે આરના ગ્રુપ,ગાંધીનગર દ્વારા “ગો ગ્રીન” પહેલ હેઠળ મૂર્તિનું પ્રાયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગણેશ મંડપની સજાવટમાં શક્ય તેટલી વધુ કુદરતી, જૈવવિઘટનશીલ અને પુનઃઉપયોગ કરી શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.

ગણેશજીના મંડપને આકર્ષક બનાવવા માટે વાંસ, પતરાવળી, માટલાં, માટીના દીવા, નારાછડી, ફૂલો અને આસોપાલવના પાન જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. ગણેશજીને શણગારવા માટેના ફેટા અને આભૂષણોમાં પણ જૈવવિઘટનશીલ તથા પુનઃઉપયોગ કરી શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.

મંડપના અન્ય ભાગોમાં પણ પાન, હાથથી બનાવેલા કાગળ પર લખાયેલા મંત્રો, તિલક માટેની વ્યવસ્થા અને કુદરતી સજાવટ કરવામાં આવી. સજાવટ માત્ર સુંદરતા પૂરતી મર્યાદિત ન રહે પરંતુ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપે, તે માટે વિવિધ સ્થળોએ પ્રકૃતિ સંરક્ષણ અને સ્વચ્છતા અંગેના સૂત્રો પણ મૂકવામાં આવ્યા.

ગણેશોત્સવ દરમિયાન સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું. સોસાયટીમાં પ્લાસ્ટિક અને જૈવવિઘટનશીલ કચરા માટે અલગ-અલગ ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી, જેથી કચરાનું યોગ્ય રીતે વિભાજન થઈ શકે.

આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ધાર્મિક ઉત્સવની સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી પણ નિભાવીએ અને “નેચર ફર્સ્ટ”નો સંદેશ સમાજમાં પહોંચાડીએ.

પાંચ દિવસના ગણેશોત્સવ દરમિયાન સોસાયટીના સભ્યો અને બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તેમાં બાળકો માટે ટેલેન્ટ શૉ, પરિવારસાથેની પ્રસ્તુતિ, પરંપરાગત આનંદનો ગરબો, તેમજ હાસ્ય અને અભિનય આધારિત કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો.આ કાર્યક્રમોએ સોસાયટીના સભ્યોને એકસાથે જોડાવાની, પોતાની પ્રતિભા રજૂ કરવાની અને પરિવાર સાથે ઉત્સવનો આનંદ માણવાની સુંદર તક પૂરી પાડી.

આ વર્ષે ગણેશ વિસર્જન પણ હર એક વર્ષના જેમ પર્યાવરણલક્ષી રીતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગણેશજીનું વિસર્જન સોસાયટીના ગેઝેબો ખાતે જ પાણીની વ્યવસ્થા કરીને કરવામાં આવ્યું. વિસર્જન બાદ આ જ પાણીને ફેંકી દેવાને બદલે સોસાયટીના છોડ અને હરિયાળી માટે ઉપયોગમાં લેવામાં આવ્યું.

આ નાનકડા પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે ઉત્સવ પૂર્ણ થયા પછી પણ પાણી અને કુદરતી સંસાધનોનો બગાડ ન થાય અને તેનો પુનઃઉપયોગ કરવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande