
જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુરમાં સામાકાંઠે વડવાળા પાનની દુકાન પાસે પત્નીને મેસેજ કરવાના જૂના મનદુઃખના કારણે થયેલી બોલાચાલી બાદ છ શખ્સોએ એકસંપ થઈ બે ભાઈઓ પર લોખંડના પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ હુમલામાં એક ભાઈના હાથમાં ફ્રેક્ચર થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે લાલપુર પોલીસ મથકમાં છ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.
લાલપુરના મચ્છુનગરમાં રહેતા નીતિન ભેડિયાવદરા સામાકાંઠે બેઠા હતા ત્યારે ગોદાવરીના દેવાયત રાવલિયા અને વેજાણંદ ઉર્ફે પીરો રાવલિયા ત્યાં આવ્યા હતા. પત્નીને મેસેજ ના કરવા બાબતે અગાઉ થયેલા ઝઘડાની રજામંડશ રાખી બંને શખ્સોએ નીતિન સાથે બોલાચાલી શરૂ કરી હતી. નીતિને તેના ભાઈ દેવશીને બોલાવતા તે સમજાવા લાગ્યા હતા, પરંતુ દેવાયત અને વેજાણંદ ઉશ્કેરાઈ ગાળો આપવા લાગ્યા હતા.
ત્યારબાદ તેમણે અન્ય શખ્સોને ફોન કરતા રાજુ રાવલિયા, હેમંત વસરા મોટરસાઈકલ પર અને ગોવિંદ વસરા સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. તમામ શખ્સોએ એકસંપ થઈ કારમાંથી લોખંડના પાઈપ કાઢી બે ભાઈઓ પર હુમલો કર્યો હતો.
વેજાણંદ અને ગોવિંદે પાઈપથી હુમલો કરતા દેવશીના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે નીતિન વચ્ચે પડતા તેને પણ પાઈપ અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો એકત્ર થતાં વેજાણંદ અને ગોવિંદે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સારવાર બાદ નીતિનની ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt