ભેરૈયામાં એસટી બસ રોકી, ગ્રામજનોનો રોષ ફાટ્યો: ભુજ-દનણા રૂટ સમયસર દોડાવવાની ખાતરી બાદ વિરોધ સમેટાયો
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકાના ભેરૈયા ગામમાં એસટી બસની અનિયમિત સેવા સામે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભુજથી દનણા જતી એસટી બસ વારંવાર નિયત સમય કરતાં મોડી પહોંચતી હોવાના મુદ્દે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. આજે
ભેરૈયા ખાતે બસ રોકાવી રજૂઆત


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકાના ભેરૈયા ગામમાં એસટી બસની અનિયમિત સેવા સામે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભુજથી દનણા જતી એસટી બસ વારંવાર નિયત સમય કરતાં મોડી પહોંચતી હોવાના મુદ્દે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. આજે બસ ફરી એક વખત સમયસર ન પહોંચતાં લોકોએ ગામમાંથી પસાર થતી બસને રોકી પોતાની મુશ્કેલીઓ તંત્ર સમક્ષ રજૂ કરી હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ભુજ-દનણા રૂટની બસ સ્થાનિક લોકો માટે મહત્વપૂર્ણ જાહેર પરિવહન સેવા છે. ખાસ કરીને સાંજના સમયે આ બસનો ઉપયોગ નોકરી-ધંધા માટે અપડાઉન કરતા લોકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ બસ નિર્ધારિત સમય કરતાં લાંબા સમય બાદ પહોંચતી હોવાથી મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસ અને રોજિંદા કામકાજ પર પણ અસર થતી હોવાની ફરિયાદો ઉઠી છે.

બસ સેવામાં સુધારો કરવા માટે ભેરૈયા ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા એસટી વિભાગને અગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ વધતો ગયો હતો. આજે ફરી બસ મોડી પહોંચતા ગ્રામજનોનો રોષ બહાર આવ્યો અને બસને રસ્તા પર રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે થોડા સમય માટે માર્ગ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ ભુજ એસટી ડેપોના અધિકારીઓને થતાં અધિકારીઓએ ગ્રામજનો સાથે ફોન પર વાતચીત કરી હતી. અધિકારીઓ દ્વારા ભુજ-દનણા રૂટની બસ નિયમિત રીતે અને શક્ય તેટલી સમયસર ચલાવવાની ખાતરી આપવામાં આવી હતી. તંત્ર તરફથી મળેલી ખાતરી બાદ ગ્રામજનોએ વિરોધ સમેટી લીધો હતો અને સ્થિતિ થાળે પડી હતી.

ઉલ્લેખનીય છે કે કચ્છના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ એસટી બસોની અનિયમિતતા અંગે ફરિયાદો સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ નેત્રા ગામના વિદ્યાર્થીઓએ પણ બસ સેવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની માંગ છે કે એસટી વિભાગ ગ્રામ્ય રૂટની સમયસૂચિનું નિયમિત પાલન કરાવે અને મુસાફરોને લાંબી રાહ જોવાની સ્થિતિમાંથી રાહત આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande