




કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ આપવા તેમજ લોકોની રોજિંદી સમસ્યાઓનું સમયસર નિરાકરણ આવે તે માટે ભુજ સ્થિત કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ વિવિધ વિસ્તારોના પ્રજાકીય પ્રશ્નો રજૂ કરી તેના ઝડપી ઉકેલની માંગ કરી હતી.
બેઠક દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, જનપ્રતિનિધિઓ મારફતે રજૂ થતા પ્રશ્નોને માત્ર કાગળ પર ન રાખતા સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન કરીને તેનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે. લોકહિતને કેન્દ્રમાં રાખીને વિકાસના કામોમાં બિનજરૂરી વિલંબ ટાળવા અને જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા અને બીબર ગામના ખેડૂતોની જમીનને લગતા પ્રશ્નો સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું નિર્માણ, જાબરી-તલ લૈયારી ડેમ, નખત્રાણા બાયપાસ, કોઠારા એપીએમસી માર્કેટ યાર્ડ, ખેડૂતોના રજિસ્ટ્રેશન, 66 કે.વી. વીજ સબસ્ટેશન, જમીનવિહોણા વિચરતી જાતિના પરિવારોને જમીન ફાળવણી, ગૌચર અને સાંથણીની જમીન, વિદ્યાર્થીઓ માટે એસ.ટી. સેવા, આંગણવાડી તેમજ ખેડૂતોના વળતર જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડાએ વિવિધ સરકારી યોજનાઓની અરજીઓના નિકાલ ઉપરાંત પાલરધુના વિસ્તારનું સંરક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, જળસ્ત્રોતોમાં ડીસિલ્ટિંગ, સિંચાઈ, ખનીજ ઉત્ખનન, સાંથણીની જમીન અને જમીન માપણીના રેકર્ડ અંગે રજૂઆતો કરી હતી.
કલેક્ટરે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા મજબૂત બનાવવા, મિલકતોની આકારણી કરી રેકર્ડમાં નોંધ કરવા, રખડતા પશુઓ સામે ઝુંબેશ હાથ ધરવા તેમજ ગામતળ અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેન્દ્રો શરૂ કરવા આયોજન કરવાની સૂચના આપી હતી. સબસ્ટેશન અને નવા ડેમ સહિતના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરી ઝડપ વધારવા જણાવાયું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar