


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : કુકમા પ્રાથમિક શાળામાં યોજાયેલી નિયમિત આરોગ્ય તપાસણી દરમિયાન ગંભીર એનિમિયાની સ્થિતિ ધરાવતી ધોરણ-5ની વિદ્યાર્થીનીની સમયસર ઓળખ થતાં તેને તાત્કાલિક સારવાર મળી હતી. RBSK ટીમની સતર્કતા અને આરોગ્ય વિભાગની ઝડપી કામગીરીના પરિણામે વિદ્યાર્થીની વૈભવી સુરેશભાઈ કટારાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે.
તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ કુકમા પ્રાથમિક શાળામાં RBSK કુકમા ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વૈભવીના હિમોગ્લોબીનનું સ્તર ખૂબ જ ઓછું હોવાનું સામે આવ્યું હતું. શાળાકક્ષાની તપાસમાં તેનું હિમોગ્લોબીન 4.2 ગ્રામ જેટલું નોંધાયું હતું. સ્થિતિ ગંભીર જણાતા ટીમે સમય ગુમાવ્યા વિના વધુ તબીબી તપાસ માટે તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુકમા ખાતે મોકલી હતી.
PHC કુકમા ખાતે કરવામાં આવેલી વધુ તપાસમાં વૈભવીનું હિમોગ્લોબીન માત્ર 2.9 ગ્રામ જેટલું હોવાનું સામે આવતા તબીબોએ તાત્કાલિક સારવારની જરૂરિયાતને ધ્યાનમાં લીધી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ભુજ ડો. રવિ બાવરવાના માર્ગદર્શન હેઠળ PHC કુકમાના મેડિકલ ઓફિસર ડો. ધારા અજાણી તેમજ RBSK ટીમના ડો. અલ્પેશ મકવાણા, ડો. નીતા ચુડાસમા અને FHW શાંતિબેન ચાંગાએ જરૂરી તબીબી કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થીનીની ગંભીર સ્થિતિને પગલે તેને વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે રિફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તેને PICUમાં દાખલ કરીને તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન વૈભવીને લોહીની બે બોટલ ચડાવવામાં આવી હતી. તબીબી સારવાર બાદ તેના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો જોવા મળ્યો અને તા. 11 સપ્ટેમ્બરે તેનું હિમોગ્લોબીન વધીને 8.3 ગ્રામ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ તબીબી સ્થિતિમાં સુધારો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ ઘટનાએ બાળકોની નિયમિત આરોગ્ય તપાસણીનું મહત્વ ફરી એકવાર ઉજાગર કર્યું છે. સામાન્ય તપાસ દરમિયાન ગંભીર એનિમિયા જેવી સ્થિતિની વહેલી ઓળખ થવાથી સમયસર સારવાર શક્ય બની હતી. RBSK અંતર્ગત બાળકોમાં રોગ, ઉણપ, જન્મજાત ખામી અને વિકાસલક્ષી સમસ્યાઓની વહેલી ઓળખ કરીને તેમને જરૂરી સારવાર સુધી પહોંચાડવામાં આવે છે. વૈભવીની સારવાર આ વ્યવસ્થાની સમયસર કામગીરીનું નોંધપાત્ર ઉદાહરણ બની છે. વિદ્યાર્થીનીના પિતા સુરેશભાઈ કટારાએ આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar