માંડવીમાં બલરામ જયંતિએ ગૂંજ્યો ખેડૂતોનો અવાજ: 40 ગામોમાં મહાઆરતી, નર્મદાના પાણી માટે સરકાર સમક્ષ ઉઠી માંગ
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકામાં બલરામ જયંતિની ઉજવણી આસ્થા અને ખેડૂત એકતાના સંદેશ સાથે કરવામાં આવી હતી. તાલુકા કિસાન સંઘના આયોજન હેઠળ રંગભવનથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતો, આગેવાનો અને સમાજના લોકો મો
બલરામ જયંતિ રેલી


બલરામ જયંતિ રેલી


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકામાં બલરામ જયંતિની ઉજવણી આસ્થા અને ખેડૂત એકતાના સંદેશ સાથે કરવામાં આવી હતી. તાલુકા કિસાન સંઘના આયોજન હેઠળ રંગભવનથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતો, આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ધાર્મિક માહોલ સાથે ખેડૂતોની એકતાનો સંદેશ પણ જોવા મળ્યો હતો.

સ્વામિનારાયણ મંદિર ખાતે શોભાયાત્રા બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો દેવસ્વરૂપદાસજી, સ્વામી શ્રીરંગદાસજી અને સ્વામી નારાયણપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ભગવાન બલરામના જીવન અને તેમના ખેડૂત સમાજ સાથેના સંબંધ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંતોએ ખેડૂતોને આશીર્વાદ આપી સમાજ અને સંગઠનની એકતા જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વસંતભાઈ સેંધાણીના સ્વાગત પ્રવચનથી થઈ હતી.

ધર્મસભા દરમિયાન ખેડૂત આગેવાનોએ માંડવી તાલુકાના સિંચાઈ સહિતના પ્રશ્નોને પણ મજબૂત રીતે રજૂ કર્યા હતા. તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા સહિત કિશોરભાઈ વાસાણી, મણિલાલભાઈ વેલાણી, ભીમજીભાઈ કરાસિયા અને માવજીભાઈ ગાજરિયાએ ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે તે માટે નર્મદા કેનાલનું પાણી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોના લાંબા સમયથી પડતર અન્ય પ્રશ્નોનો પણ ઝડપી ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી.

બલરામ જયંતિના અવસરે માંડવી તાલુકાના આશરે 40 ગામોમાં સાંજે એકસાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે ખેડૂત એકતાને જોડતી આ ઉજવણીમાં માવજીભાઈ છભાડિયા, કલ્યાણભાઈ, કિશોરભાઈ પટેલ, લક્ષ્મીબેન પટેલ સહિત ચાર શક્તિ કેન્દ્રોના પ્રમુખો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ અંતે આભારવિધિ વસંતભાઈ સેંધાણીએ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande