માંડવી બીચ પર ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ ગુંજ્યો, 190 કિલોથી વધુ દરિયાઈ કચરો એકત્ર
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માંડવીના દરિયાકાંઠે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતું વિશેષ દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાના સ્વચ્છ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થ
માંડવી બીચ સફાઈ અભિયાન


માંડવી બીચ સફાઈ અભિયાન


માંડવી બીચ સફાઈ અભિયાન


માંડવી બીચ સફાઈ અભિયાન


માંડવી બીચ સફાઈ અભિયાન


માંડવી બીચ સફાઈ અભિયાન


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માંડવીના દરિયાકાંઠે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતું વિશેષ દરિયાકાંઠા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાના સ્વચ્છ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સરકારી વિભાગોના પ્રતિનિધિઓ, સંશોધકો અને વિવિધ સંસ્થાઓના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વર્ષ 2019થી દરિયાકાંઠાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે યોજાતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમુદ્ર અને દરિયાકાંઠાને પ્લાસ્ટિક સહિતના કચરાથી મુક્ત રાખવા સાથે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. ભુજ સ્થિત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR), ચેન્નાઈ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન માંડવી બીચ પરથી કુલ 190.47 કિલોગ્રામ દરિયાઈ કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. તેમાં 135.47 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરાનો સમાવેશ થતો હતો. એકત્રિત કચરાના વિશ્લેષણમાં પ્લાસ્ટિક સ્ટ્રોનો જથ્થો સંખ્યાની દૃષ્ટિએ 33.9 ટકા અને પ્લાસ્ટિક ચમચીનો હિસ્સો 27.1 ટકા નોંધાયો હતો. જ્યારે વજનના પ્રમાણમાં પૂજાની સામગ્રી અને માળાનો હિસ્સો 59.1 ટકા રહ્યો હતો. આ આંકડાઓ દરિયાઈ પર્યાવરણ સામે કચરાના પડકારને સ્પષ્ટ કરે છે.

કાર્યક્રમમાં સારસ્વતમ સંચાલિત માતૃશ્રી આર.એચ.પી. ઉચ્ચતર માધ્યમિક શાળા, મસકા, શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય તેમજ શેઠ ગોકુલદાસ હંસરાજ વિવિધલક્ષી વિદ્યાલય અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. માંડવી નગરપાલિકા, વન વિભાગ, પ્રવાસન વિભાગ, બીએસએફ, સિક્યોર નેચર અને સીમા જાગરણ મંચના પ્રતિનિધિઓએ પણ સફાઈ કામગીરીમાં સહભાગી બની પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.

GUIDEના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પણ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. GUIDEના નિર્દેશક ડૉ. વી. વિજય કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં RFO અનોપ સિંહ ડોડિયા, શેઠ ગોકુલદાસ હંસરાજ વિવિધલક્ષી કોલેજના આચાર્ય ધવલ પટેલ તથા GUIDE તરફથી એલ. પ્રભાદેવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન GUIDEના કોસ્ટલ અને મરીન ઇકોલોજી વિભાગના વૈજ્ઞાનિક ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરાએ કર્યું હતું.

અભિયાન દ્વારા દરિયાકાંઠાની સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી ન બની રહે, પરંતુ લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande