મુંદરામાં 52.90 લાખની ઘરફોડ ચોરીનો પર્દાફાશ: રોકડ અને સોના-ચાંદીના દાગીના સાથે બે ઝડપાયા
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા શહેરમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ચોરીની રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. પોલીસે કુલ રૂ.52,90,530ન
ઘરફોડ ચોરી કેસના આરોપીઓ


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા શહેરમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ચોરીની રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. પોલીસે કુલ રૂ.52,90,530નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંદરા પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 305(એ), 331(3) અને 331(4) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ચોરીની રકમ મોટી હોવાથી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ આગળ ધપાવી હતી.

કચ્છ પશ્ચિમ-ભુજ પોલીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસની ટીમે ગુનાનો પત્તો મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ બાતમીના આધારે માહિતી એકત્રિત કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફે શંકાસ્પદ હિલચાલ અને મળતી માહિતીની કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંદરાના હસનપીર બજાર વિસ્તારમાં આવેલા કેરાઇ ફળિયામાં ખોજા મસ્જિદ નજીક રહેતા સમીર શોકતઅલી ખોજા, ઉંમર 30 વર્ષ, અને યાસમીન શોકતઅલી ખોજા, ઉંમર 58 વર્ષ,ને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે બંનેની પૂછપરછ કરતાં તપાસને મહત્વની દિશા મળી હતી. ત્યારબાદ તેમની પાસેથી રૂ.23,00,500ની રોકડ રકમ મળી આવી હતી. ઉપરાંત રૂ.29,40,030ની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ પોલીસે કબજે કર્યા હતા. આમ, રોકડ અને કિંમતી દાગીના મળીને કુલ રૂ.52,90,530નો મુદ્દામાલ પોલીસના હાથે આવ્યો છે.

મોટી રકમની ચોરીના ગુનામાં ઝડપી કાર્યવાહી કરીને પોલીસે બંને શખ્સોને કાયદાની ઝપેટમાં લીધા છે. હાલ પોલીસે કબજે કરાયેલા મુદ્દામાલ તથા સમગ્ર ગુનાની કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande