મુંદરામાં નશાના કારોબાર પર પોલીસનો સપાટો: 10 કિલોથી વધુ ગાંજા સાથે બિહારનો યુવક ઝડપાયો, બે શખ્સની શોધખોળ
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવતા 10 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. ફોર વે હોટલના ગેટ નજીકથી ઝડપાયેલા આ શખ્સ પાસેથી ગાંજા સહિત કુલ રૂ.5.11 લાખથી વધુનો મ
નશીલા પદાર્થ ગાંજા સાથે પકડાયેલ યુવક


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવતા 10 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. ફોર વે હોટલના ગેટ નજીકથી ઝડપાયેલા આ શખ્સ પાસેથી ગાંજા સહિત કુલ રૂ.5.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુંદરા પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ફોર વે હોટલના ગેટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન એક યુવક શંકાસ્પદ રીતે ત્યાંથી પસાર થતો નજરે પડતા પોલીસે તેને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં યુવકની ઓળખ વિકાસકુમાર ઉર્ફે ગુલશનકુમાર વિધ્યાનંદ શર્મા, ઉંમર 22 વર્ષ તરીકે થઈ હતી. તે હાલમાં મુંદરા તાલુકાના ધ્રબ સીમ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તે મૂળ બિહારના મધેપુરા જિલ્લાનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

યુવકની તલાશી લેતા તેની પાસેથી 10.030 કિલોગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજાની કિંમત રૂ.5,01,500 આંકી છે. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને રૂ.250 રોકડ રકમ પણ કબજે કરી છે. આમ, પોલીસે કુલ રૂ.5,11,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવાયું છે.

આ કાર્યવાહી મુંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. શકોરીયા અને પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. ભરવાડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કામગીરીમાં આ જથ્થો પકડાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ગાંજાની હેરાફેરીના આ કિસ્સામાં બિહારના સુનીલ મંડલ અને ધીરેન્દ્ર મંડલના નામ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande