




કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી માંડવીના રાવલપીર બીચ ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ તથા ‘સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર’ના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે યોજાયેલા આ અભિયાનમાં વિવિધ સરકારી વિભાગો અને ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રાવલપીર બીચ પર યોજાયેલી સફાઈ કામગીરી દરમિયાન બીચ પર એકત્રિત થયેલા કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે સામૂહિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવી માત્ર સ્થાનિક તંત્રની જવાબદારી ન રહે, પરંતુ નાગરિકો અને સંસ્થાઓ પણ તેમાં સક્રિય ભાગીદાર બને તેવો સંદેશ આ સમગ્ર ઝુંબેશ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાનમાં SWM વિભાગ, માંડવી નગરપાલિકા-કચ્છ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), પશ્ચિમ કચ્છ, GIDC-દુર્ગાપુર, GMDC તેમજ અદાણી કંપની, જિન્દાલ કંપની અને ગ્રેવીટા કંપનીના પ્રતિનિધિઓ જોડાયા હતા. વિવિધ સંસ્થાઓના કર્મચારીઓએ સાથે મળીને બીચ પર સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. સામૂહિક ભાગીદારીથી યોજાયેલા આ અભિયાનમાં સ્વચ્છતા સાથે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણનું મહત્વ પણ ઉજાગર થયું હતું.
દરિયાકાંઠે વધતો કચરો દરિયાઈ પર્યાવરણ, જળચર જીવો તેમજ પ્રવાસન સ્થળોની સુંદરતા માટે પડકારરૂપ બની શકે છે. આવા સંજોગોમાં નિયમિત સફાઈની સાથે કચરો ન ફેંકવા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પણ સ્વચ્છતા અંગે લોકોમાં જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો રહ્યો હતો.
સફાઈ ઝુંબેશ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ અને સહભાગીઓએ સ્વચ્છતા જાળવવા તથા અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌએ સ્વચ્છતાના શપથ લઈ જાહેર સ્થળો તેમજ દરિયાકાંઠાને સ્વચ્છ રાખવા માટે સહિયારા પ્રયાસો કરવાનો સંકલ્પ કર્યો હતો. રાવલપીર બીચ પર યોજાયેલી આ ઝુંબેશ દ્વારા ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ સાથે સ્વચ્છ અને જવાબદાર સમાજના નિર્માણનો સંદેશ પ્રસર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar