


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : રાપર તાલુકાના રવ ગામે આવેલા સુપ્રસિદ્ધ રવેચી માતાજીના પવિત્ર ધામે ભાદરવા સુદ આઠમ નિમિત્તે પરંપરાગત ભાતિગળ મેળો યોજાયો હતો. વાગડ સહિત સમગ્ર કચ્છ અને ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલા આ મેળામાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો હતો. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રાપરથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું રવેચી માતાજીનું મંદિર વર્ષોથી ધાર્મિક શ્રદ્ધા અને લોકપરંપરાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ભાદરવા સુદ આઠમના પર્વે અહીં યોજાતા મેળાની સ્થાનિક લોકો ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મુંબઈ તેમજ અન્ય વિસ્તારોમાં વસતા લોકોમાં પણ વિશેષ આતુરતા જોવા મળે છે. અનેક પરિવારો માટે આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ વર્ષો જૂની પરંપરા સાથે જોડાવાનો અવસર પણ બની રહે છે.
આ વર્ષે ચોમાસાની સારી સ્થિતિ વચ્ચે યોજાયેલા મેળામાં લોકોનો ઉત્સાહ વિશેષ જોવા મળ્યો હતો. મેઘરાજાની મહેરથી સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાતા અને વાતાવરણમાં ઠંડક રહેતા મેળામાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા. મંદિર પરિસર અને મેળાના સ્થળે દિવસભર ભક્તોની અવરજવરથી ચહલપહલનો માહોલ જોવા મળ્યો હતો.
મેળામાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચના સાથે લોકજીવનની રંગત પણ જોવા મળી હતી. વિવિધ સ્ટોલ, ખાણીપીણીના સ્થળો અને ચીજવસ્તુઓની ખરીદી માટે પણ લોકોની ભીડ જોવા મળી હતી. ગ્રામ્ય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો સુંદર સમન્વય રવેચીના મેળામાં જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પ્રેરક ઉપસ્થિતિમાં રહ્યા હતા. રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, રવેચી મંદિરના મહંત હિરાગીરીજી બાપુ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મેળા દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે રવેચી માતાજીના ધામે જાણે આસ્થાનો મહાસાગર છલકાયો હોય તેવો નજારો સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar