
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ઊંઝાના મકતુપુર પાસે શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલરનો ઉપયોગ થતો હોવાની બાતમીના આધારે મહેસાણા ફૂડ વિભાગ અને સીઆઈડી પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. મહેસાણા જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસમાં કુલ 2,46,164 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
મહેસાણા-પાલનપુર હાઈવે પર મકતુપુર ગામમાં હોટલ સુહાના પાસે આવેલી ‘ગણેશ ક્લીનીંગ’ નામની પેઢીમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જે.જે. પ્રજાપતિ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વરિયાળી અને તેમાં ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતો હોવાનું જણાવાયેલો ગ્રીન કલર મળી આવ્યો હતો.
ફૂડ વિભાગે સ્થળ પરથી 13 કિલોગ્રામ લૂઝ વરિયાળી, 17 કિલોગ્રામ જેટલો ગ્રીન કલર તથા અંદાજે 2,44,800 રૂપિયાની કિંમતની 4,898 કિલોગ્રામ શંકાસ્પદ વરિયાળીનો જથ્થો કબજે કરી સીઝ કર્યો હતો. ટીમ દ્વારા વિવિધ પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૂડ વિભાગ દ્વારા કુલ 2,46,164 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR