

મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુર તાલુકાના હાથીપુરાના ખેડૂત મનોજભાઈ પટેલ હળદરના પાકમાં આચ્છાદન પદ્ધતિ અપનાવીને જમીનમાં ભેજ જાળવવા અને નિંદામણ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી હળદરની ખેતી કરતા મનોજભાઈના અનુભવ મુજબ છોડની આસપાસ ઉગતા ઘાસને કાઢીને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ આચ્છાદન તરીકે કરવાથી જમીન ઢંકાયેલી રહે છે અને નિંદામણનો ઉગાવો ઘટે છે.
મનોજભાઈએ એક એકરમાં પીળી હળદર સાથે બ્લેક હળદરનું મિશ્ર વાવેતર કર્યું છે. તેમાં આશરે 300થી 400 કિલો બિયારણનો ઉપયોગ કર્યો છે. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃતની સાથે આચ્છાદનને પણ મહત્વ આપવામાં આવે છે.
ખેડૂતના જણાવ્યા મુજબ હળદરના મૂળિયા આસપાસ ઘાસનું આચ્છાદન કરવાથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જમીન ખુલ્લી ન રહેતા સૂક્ષ્મજીવો માટે પણ અનુકૂળ વાતાવરણ રહે છે. તેમના અનુભવ મુજબ આચ્છાદન કરેલા ખેતરમાં ખુલ્લી જમીનની સરખામણીએ આશરે 20થી 30 ટકા સુધી વધુ ઉત્પાદન મળ્યું છે.
ગત વર્ષે તેમણે 600થી 700 કિલો હળદરનું બિયારણ વિજાપુર તાલુકાના આશરે 15 ખેડૂતોને FPO મારફતે આપ્યું હતું. હળદરની ખેતી કરતા ખેડૂતોનું ગ્રુપ બનાવી ખેતી પદ્ધતિ અંગે માહિતીની આપ-લે પણ કરવામાં આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આચ્છાદન પદ્ધતિ ઓછા ખર્ચે જમીનનું રક્ષણ કરવા માટે ઉપયોગી બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR