
જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી નજીક નાગાર્જુન પેટ્રોલ પંપ સામે એક અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઘવાયેલા મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઇ જતાં મેઘપર (પડાણા) પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઝારખંડના મૂળ વતની અને હાલ મોટી ખાવડી સીમમાં નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ આવેલી લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા નંદલાલ ગાંગો મહતો (ઉંમર 43 વર્ષ) ગત 11 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં નાગાર્જુન પેટ્રોલ પંપ સામે જામનગર-ખંભાળિયા હાઇવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી નંદલાલને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં નંદલાલને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે ગંભીર ઇજાઓના કારણે નંદલાલને મૃત જાહેર કર્યા હતા. કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહનો કબજો સ્વજનોને સોંપવામાં આવ્યો હતો અને અંતિમવિધિ માટે મૃતદેહ વતન ઝારખંડ લઇ જવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સાથે કામ કરતા સુપરવાઇઝર ટેકલાલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 તથા 106(1) અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt