




પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી
નિમિત્તે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાના અધ્યક્ષસ્થાને વાલીમાં આપનું
ઘર, છાંયા રોડ, પોરબંદર ખાતે આયુષ મેળો તથા મેગા આયુષ
કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.
જયદીપ શાહે જણાવ્યું હતું કે, આયુષ
મેળો માત્ર નિદાન અને સારવાર પૂરતો સીમિત ન રહેતા નાગરિકોમાં આયુર્વેદિક સારવાર
પદ્ધતિ, યોગ, પંચકર્મ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી વિવિધ
પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આયુર્વેદ તથા હોમિયોપેથીક સારવાર, પંચકર્મ પદ્ધતિનું પ્રદર્શન તેમજ
તાત્કાલિક રાહત માટેની ‘અગ્નિકર્મ’ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આયુષ મેળામાં યોગ, પોષણ અને વનૌષધિ અંગેના પ્રદર્શનો
દ્વારા જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિવિધ રોગો
અનુસાર યોગાસનો તથા પ્રાણાયામનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી નાગરિકોને યોગના મહત્વ
અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા બીપી અને
ડાયાબિટીસની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી. પોષણ માસ અંતર્ગત આઈસીડીએસ શાખા
દ્વારા પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ આંગણાની વનૌષધિઓ
અને આયુર્વેદિક ગ્રંથોનું પ્રદર્શન ગોઠવી નાગરિકોને આયુર્વેદિક ઔષધિઓ તથા પરંપરાગત
સારવાર પદ્ધતિઓ અંગે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા,જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.
ચૌધરી, કમિશનર ટી.સી. તીરથાણી તથા જિલ્લા ભાજપ
પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી ઉપસ્થિત રહી કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું
હતું.
આયુષ મેળા અને મેગા આયુષ કેમ્પના
આયોજનથી નાગરિકોને એક જ સ્થળે વિવિધ આયુષ આધારિત આરોગ્ય સેવાઓ, નિદાન, સારવાર તથા આરોગ્યલક્ષી માર્ગદર્શનનો લાભ મળ્યો હતો. સાથે જ આયુર્વેદ, યોગ, પંચકર્મ, પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે
નાગરિકોમાં જાગૃતિ વધારવામાં આ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya