

- ચાન્દ્રાયણ, ધારણા-પારણા અને એકટાણા જેવા કઠિન તપ કરીને સમાજ સમક્ષ બેસાડ્યો ઉત્કૃષ્ટ દાખલો.
અમદાવાદ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : આજના ડિજિટલ અને આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી (Gen-Z) ભૌતિક સુખ-સગવડો તરફ વધુ આકર્ષાયેલી જોવા મળે છે, ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદના યુવક-યુવતીઓએ આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને તપશ્ચર્યાનો એક અનોખો અને પ્રેરણાદાયી માર્ગ અપનાવ્યો છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે પોતાની નિષ્ઠા અને ભક્તિ અદા કરવાના આશયથી અમદાવાદના 1,400 થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણ માસમાં વિવિધ પ્રકારના કઠોર વ્રત-તપ કર્યા છે.
વિશેષ તપશ્ચર્યાની વિગતો:
યુવાનોએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે શાસ્ત્રોક્ત અને કઠિન ગણાતા વ્રતો પૂર્ણ કર્યા છે, જેની વિગત નીચે મુજબ છે:
* ચાન્દ્રાયણ વ્રત: 84 યુવક-યુવતીઓ
* ધારણા-પારણા વ્રત: 271 યુવક-યુવતીઓ
* એકટાણા (એકટાણું): 831 યુવક-યુવતીઓ
* અન્ય વિશેષ તપ-વ્રત: 263 યુવક-યુવતીઓ
સમાજ માટે પ્રેરણારૂપ બનેલી યુવા પેઢી:
અભ્યાસ અને નોકરી-વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ આટલી મોટી સંખ્યામાં આજના 'Gen-Z' યુવાનોએ સંયમ, શિસ્ત અને તપનો માર્ગ પસંદ કરીને સમગ્ર સમાજ માટે એક સુંદર દાખલો બેસાડ્યો છે. આ યુવાનો દર્શાવે છે કે આધુનિકતાની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિકતાને પણ જીવનમાં શ્રેષ્ઠ રીતે વણી શકાય છે.
આ પ્રસંગે BAPS ના વરિષ્ઠ સંતો અને હરિભક્તોએ તમામ વ્રતધારી યુવક-યુવતીઓના તપ અને ભક્તિભાવને બિરદાવ્યા હતા તેમજ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિશેષ રાજીપા અને આશીર્વાદ પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ