
ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં મિત્રોના સમૂહ દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મનો દિવ્યાંગ મહિલાઓને આશ્રય, સંભાળ અને જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી દિવ્યાંગ માનવસેવા આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં આશ્રમમાં 23 જેટલી મનો દિવ્યાંગ મહિલાઓની સેવા કરવામાં આવી રહી છે.
આશ્રમમાં નિરાધાર અથવા રસ્તે રઝળતી મનો દિવ્યાંગ મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. અહીં તેમને ઘર જેવું વાતાવરણ મળે તે માટે રહેવાની સાથે ભોજન, કપડાં, સ્વચ્છતા સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
મહિલાઓને દિવસ દરમિયાન ચાર વખત ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. તેમના આરોગ્યની પણ નિયમિત કાળજી લેવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ડોક્ટરની સારવાર તથા તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મહિલાઓની દૈનિક સંભાળ માટે ખાસ મહિલાઓ સેવા આપે છે. તેઓ ભોજન, સ્વચ્છતા અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. વિવિધ વિસ્તારોમાંથી મનો દિવ્યાંગ મહિલાઓને અહીં લાવવામાં આવે છે અથવા સેવાભાવી લોકો તેમને આશ્રમ સુધી પહોંચાડે છે.
આ અંગે નાનુભાઈ પરસોત્તમભાઈ ખેનીએ જણાવ્યું કે કોરોના દરમિયાન મનો દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશ્રમ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ મિત્રોના સહયોગથી આ આશ્રમ શરૂ કરવામાં આવ્યો. લોકો દ્વારા આપવામાં આવતા દાન અને સહયોગથી આશ્રમનું સંચાલન કરવામાં આવે છે.
માનવસેવાની સાથે આશ્રમ દ્વારા અબોલ પશુ-પક્ષીઓની પણ સેવા કરવામાં આવે છે. પક્ષીઓ માટે ચબૂતરો બનાવી ચણની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે પશુઓ માટે પીવાના પાણીના અવેડા બનાવવામાં આવ્યા છે. આશ્રમ માનવસેવા સાથે જીવદયાનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA