
ભાવનગર 24 સપ્ટેમ્બર (હિ.સ.)
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી વેરાવળ–હરિદ્વાર–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર 09203/09204ને કેશોદ રેલવે સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ વધારાનું સ્ટોપેજ 20 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09203 વેરાવળ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલનું કેશોદ સ્ટેશન પર 20 ઓક્ટોબર, 2026થી આગમન 16:39 કલાકે અને પ્રસ્થાન 16:40 કલાકે થશે.
તે જ રીતે, ટ્રેન નંબર 09204 હરિદ્વાર–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલનું કેશોદ સ્ટેશન પર 21 ઓક્ટોબર, 2026થી આગમન 08:56 કલાકે અને પ્રસ્થાન 08:57 કલાકે થશે.
કેશોદ સ્ટેશન પર આ વધારાના સ્ટોપેજથી આસપાસના વિસ્તારોના મુસાફરોને હરિદ્વાર સહિત માર્ગમાં આવેલા વિવિધ મહત્વપૂર્ણ શહેરો સાથે અવરજવર માટે વધુ સારી રેલ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. આથી સ્થાનિક મુસાફરોને આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની સુવિધાનો લાભ મેળવવામાં વધુ સરળતા રહેશે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આ વધારાના સ્ટોપેજનો મહત્તમ લાભ લે અને પોતાની મુસાફરીને સુવિધાજનક બનાવવા માટે રેલવે સેવાઓનો ઉપયોગ કરે.
મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ તથા સંચાલન સંબંધિત નવીનતમ માહિતી ભારતીય રેલવેની અધિકૃત પૂછપરછ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી લે.
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા, સરળ મુસાફરી તથા વધુ સારી મુસાફર સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ