બારડોલીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત માર્ગ સલામતી બાઈક રેલી યોજાઈ
સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન’ અંતર્ગત સુરત જિલ્લા પોલીસ અને બારડોલી આરટીઓના સંયુક્ત ઉપક્રમે બારડોલી શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સુરક્ષિત સફર–સુરક્ષિત જીવ
બારડોલીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત માર્ગ સલામતી બાઈક રેલી યોજાઈ


સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન’ અંતર્ગત સુરત જિલ્લા પોલીસ અને બારડોલી આરટીઓના સંયુક્ત ઉપક્રમે બારડોલી શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સુરક્ષિત સફર–સુરક્ષિત જીવન’ના સંદેશ સાથે યોજાયેલી રેલીમાં નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

રેલીને સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, બારડોલી પ્રાંત અધિકારી, ડીવાયએસપી, બારડોલી આરટીઓના અધિકારીઓ તથા સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ અને જિલ્લા કલેક્ટરે સૌને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. રેલીમાં 200થી વધુ બાઈક સવારો, એનસીસી કેડેટ્સ તેમજ બારડોલી કોમર્સ કોલેજ અને માલીબા કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

રેલી દરમિયાન હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, જવાબદારીપૂર્વક વાહન ચલાવવું તથા અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતી જાળવવા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

સ્વરાજ આશ્રમથી શરૂ થયેલી રેલી લીમડા ચોક, ગાંધી રોડ અને રેલવે સ્ટેશન થઈ પરત સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી. આશરે ૫ કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ રેલીમાં માર્ગ સલામતી અંગેના સંદેશ સાથે નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી.

માર્ગ સલામતીના મહત્વને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા પોતાના સ્ટાફ અને જવાનોને સુરક્ષા માટે આશરે 200 હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

માર્ગ અકસ્માતો અટકાવવા માટે દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો અને નિયત ઝડપમર્યાદાનું પાલન કરવા સહિતના નિયમોનું પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. અંતે ઉપસ્થિત સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande