
સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સુરત મહાનગરમાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ગુરુવારે ઉધના ઝોનના હરીનગર-૩ કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકા અને સુરત મહાનગર ભાજપ સંગઠનના સંયુક્ત ઉપક્રમે ‘સેવા મેરા યોગદાન’ તથા ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સુરતના મેયર માયાબેન માવાણી, ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મહામંત્રી દુર્ગાપ્રસાદ પાંડે, ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નં. 19, 20, 23, 24, 28 અને 29ના નાગરિકો માટે એક જ સ્થળે 18થી વધુ સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેમાં આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ તથા આધારકાર્ડ સંબંધિત સેવાઓ ઉપરાંત આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય અને દિવ્યાંગતા પ્રમાણપત્ર જેવી સેવાઓનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગને લગતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન તથા અરજીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે નિઃશુલ્ક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સુરત સિટી બસના સિનિયર સિટીઝન ફ્રી પાસ માટેની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ‘પોષણ માસ’ની ઉજવણી સાથે ઉપસ્થિત નાગરિકોએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી, એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવાનો તથા પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે