સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા તબીબનું આપઘાતથી મોત, રેસિડેન્ટ ડોક્ટરના મૃત્યુથી ચકચાર
એનાટોમી વિભાગમાં અભ્યાસ કરતા યોગેન્દ્ર પ્રજાપતિએ ડિસેક્શન હોલમાં જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ અકબંધ
તબીબનું આપઘાતથી મોત


સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં એનાટોમી વિભાગમાં અભ્યાસ કરતા થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. બપોરના સમયે ડિસેક્શન હોલમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર અને પોલીસ દોડી આવી હતી.

યોગેન્દ્ર પ્રજાપતિ પરિણીત હતા અને તેમની પત્ની સાથે સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં જ રહેતા હતા. તેમની પત્ની પણ હોમિયોપેથીના તબીબ છે. યોગેન્દ્રે એમબીબીએસ બાદ એનાટોમીમાં ત્રણ વર્ષના રેસિડન્સી અભ્યાસ માટે પ્રવેશ લીધો હતો. તેમની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને હાલમાં તેઓ બાકી રહેલી તાલીમ પૂર્ણ કરી રહ્યા હતા.

નોંધનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બીજા ડોક્ટરે આપઘાત કર્યો છે. અગાઉ બનેલી ઘટનાને પગલે ફરી એક વખત મેડિકલ કેમ્પસમાં ચિંતા ફેલાઈ છે.

આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ

પોલીસે ઘટનાની જાણ થતાં તપાસ શરૂ કરી છે. હાલ સુધી યોગેન્દ્રે આ અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મળેલી વિગતો અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. પારુલ વડગામાએ ઘટનાને દુઃખદ ગણાવી જણાવ્યું હતું કે એનાટોમી વિભાગના થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટરે ડિસેક્શન હોલમાં આપઘાત કર્યો છે. પોલીસ કાર્યવાહી હેઠળ ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે પણ જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટના અંગે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. તેમના જણાવ્યા મુજબ, મૃતક વિદ્યાર્થી અંગે અગાઉ કોઈ ફરિયાદ કોલેજ તંત્ર સમક્ષ આવી નહોતી.

એનાટોમીના અભ્યાસમાં ડિસેક્શન હોલનું મહત્વ

મેડિકલ અભ્યાસમાં એનાટોમી મહત્વનો વિષય છે. તેમાં માનવ શરીરના હાડકાં, સ્નાયુઓ, નસો અને આંતરિક અંગોની રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. તબીબી વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સાથે મૃતદેહના અભ્યાસ દ્વારા શરીરની વાસ્તવિક રચનાની સમજ આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande