


પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), પ્રાદેશિક કચેરી પોરબંદર તથા સૌરાષ્ટ્ર
કેમિકલ્સ ડિવિઝન, નિરમા લિ., પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘સેવા
સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ના ભાગરૂપે બિરલા સાગર સ્કૂલ, પોરબંદર ખાતે નિબંધ લેખન અને ચિત્ર
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં બિરલા સાગર સ્કૂલમાં ધોરણ
6થી 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ
ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ
સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પર્યાવરણના નિર્માણમાં તેમની સહભાગિતા વધે તે હેતુથી
સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા તથા પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અંગે
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને
ચિત્રોના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા અંગે પોતાના વિચારો અને
સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધાના અંતે ભાગ લેનાર તમામ
વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ઇનામો
આપવામાં આવ્યા હતા. તેમજ નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા
વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા
વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવા તેમજ સ્વચ્છ અને
હરિત પોરબંદરના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya