
- વિદ્યાર્થીઓને કચરાના વર્ગીકરણનો ખ્યાલ આપી કયા ડબ્બામાં ક્યો કચરો નાખવો તેની સમજ અપાઈ.
ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે સૂત્રાપાડા નગરપાલિકા સ્ટાફ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પંચવટી સીમ શાળાના વિદ્યાર્થીઓ માટે ૪-બીન કચરાના વર્ગીકરણ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બાળપણથી જ કચરાના યોગ્ય નિકાલ અને વર્ગીકરણની ટેવ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને 'ફોર-બીન' પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે, શાકભાજી, ફળોનાં છોતરાં, બચેલો ખોરાક, સડેલા ફળ/શાકભાજી, નાની ડાળખીઓ, પાન અને ઘાસ જેવો લીલો કચરો, કાચ, રબર, સૌંદર્ય પ્રસાધન બ્રશ, જૂના કપડા, સ્ટેશનરી, ધાતુના કટાયેલા ડબ્બા, પાણીની બોટલ, સોફ્ટડ્રિંકની બોટલ, દૂધની થેલી અને રમકડાં જેવો વાદળી કચરો (સુકો કચરો), બેબી/એડલ્ટ ડાયપર, વપરાયેલા ટેમ્પોન્સ, સેનેટરી નેપકીન, બ્લેડ અને રેઝર જેવા લાલ કચરો (સેનેટરી કચરો) અને એક્સપાયર્ડ દવાઓ, દવાના ખાલી પેકેટ્સ, જંતુનાશકો, બગીચાના અન્ય રસાયણો અને ઈલેક્ટ્રોનિક વેસ્ટ જેવો કાળો કચરો (સ્પેશિયલ/જોખમી કચરો) છે.
આ તાલીમ દરમિયાન દર્શાવવામાં આવ્યું કે, કચરાના યોગ્ય નિકાલ માટે 'ફોર-બીન' સિસ્ટમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં આ ૪ પ્રકારના વર્ગીકરણ વિશે લોકોને જાગ્રત કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વચ્છ સૂત્રાપાડા બનાવવા માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ