
- મત્સ્યોદ્યોગ ક્ષેત્રે જોડાયેલા લાભાર્થીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુઓ અંગે માર્ગદર્શન.
ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) અંગેનું ઓનલાઇન ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, વેરાવળ ખાતે યોજાયું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મત્સ્ય ક્ષેત્રનાલાભાર્થીઓ સુધી PM-MKSSY યોજનાની માહિતી પહોંચાડવી તથા તેમને યોજનાના વિવિધ લાભો મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
કોલેજના આચાર્ય ડૉ. આર. વી. બોરિચાંગરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન માધ્યમથી ૧૦૦થી વધુ લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં PM-MKSSY પ્રોજેક્ટના નોડલ ઓફિસર ડૉ. જીતેશ બી. સોલંકી દ્વારા યોજનાની રૂપરેખા તથા મુખ્ય જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન PM-MKSSY યોજનાના ઉદ્દેશ્યો, લાભો, ઓનલાઇન અરજી પ્રક્રિયા તથા યોજનાની વિવિધ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માહિતી અને દિલ્હીથી ઓનલાઇન પ્રાયોગિક ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.
ખાસ કરીને મત્સ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા માછીમારો, મત્સ્ય ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને ડિજિટલાઇઝેશન દ્વારા અસંગઠિત મત્સ્ય ક્ષેત્રને વધુ સંગઠિત બનાવવું, સંસ્થાકીય નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવી તથા પર્ફોર્મન્સ ગ્રાન્ટ દ્વારા મત્સ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ડૉ. હિતેષ પરમાર, ડૉ. રવિ બારૈયા, ડૉ. કેતન ટાંક તથા કુ.અરિતાબહેન રાઠોડ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ