
કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના માંડવી શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે મહિલા આરોપીઓને ઝડપી પાડતાં ચકચાર મચી છે. પોલીસે બંને મહિલાઓ પાસેથી ચોરી કરીને લઈ જવાયેલો અંદાજે રૂ. 9 લાખની કિંમતનો સોનાના બે મંગળસૂત્ર સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પોલીસની ઝડપી કામગીરીના પગલે ચોરીનો ગુનો ટૂંકા સમયમાં જ ઉકેલાઈ ગયો હતો.
આ મામલે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગે ગુનો નોંધાયો હતો. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ માંડવી પોલીસે ચોરીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી અને ટેકનિકલ તથા અન્ય તપાસના આધારે બે મહિલા આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. પોલીસે કુસુમ પત્ની નારણભાઈ વર્સાણી, ઉંમર 40 વર્ષ, મૂળ કોડકી-ભુજ અને હાલ પ્રમુખ સ્વામીનગર, ભુજ તથા મમતાજ ઉર્ફે પ્રિયા પત્ની લિયાકતઅલી ઉંઝડ, ઉંમર 35 વર્ષ, મૂળ જની બકાલી કોલોની, ભુજ અને હાલ મહેંદી કોલોની, ભુજની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં બંને મહિલાઓનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ પણ સામે આવ્યો હોવાનું જણાવાયું છે. બંને આરોપીઓ અગાઉ ભુજ શહેર એ-ડિવિઝન, ભુજ શહેર બી-ડિવિઝન, માનકુવા તેમજ ગાંધીધામ પૂર્વ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર સી.વાય. બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. એએસઆઈ દિપકભાઈ જે. રાઠોડ સહિત હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર, ભાવિકભાઈ, બાલુભાઈ, ભલાભાઈ તેમજ કોન્સ્ટેબલ સંતોષભાઈ, આનંદભાઈ અને મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા શિવાનીબેનની ટીમે તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
માંડવી પોલીસે ચોરીના ગુનાનો ઝડપથી પર્દાફાશ કરી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ પરત મેળવતા પોલીસની કામગીરીની નોંધ લેવાઈ છે. મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar