



કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના રામેશ્વર ખાતે યોજાયેલા રામદેવપીરના પરંપરાગત મેળાના અંતિમ દિવસે યોજાયેલો ‘બખમલાખડો’ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વર્ષોથી મેળાની પરંપરાનો હિસ્સો રહેલા આ કાર્યક્રમમાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મલીઓએ ઉપસ્થિત રહી પોતાની કળા અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રામદેવપીરના મેળાના ત્રીજા દિવસે યોજાયેલા બખમલાખડામાં વિવિધ મલીઓ વચ્ચે રસાકસી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન મલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રદર્શનને લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. મેળામાં ધાર્મિક માહોલ સાથે પરંપરાગત રમત અને લોકકળાનું પણ સુંદર સંમિશ્રણ જોવા મળ્યું હતું. જેના કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થળ પર લોકોની સારી એવી ભીડ જોવા મળી હતી.
સ્પર્ધાના અંતે વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં લખપત તાલુકાના સુભાસપરના હનીફ ઈશાકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. લખપતના વીરાણી ગામના જત ખાલિદે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો, જ્યારે અબડાસાના બીટીયારીના ઉમર ઈસ્માઈલે તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું. વિજેતાઓને નખત્રાણા નગરપાલિકા દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય ક્રમના વિજેતાઓને રૂ. 1,500 જ્યારે તૃતીય ક્રમના વિજેતાને રૂ. 1,000નું ઇનામ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલા, કારોબારી ચેરમેનસિંહ રાઠોડ, પૂર્વ સરપંચ ડાયાભાઈ સંઘાણી, કાઉન્સિલર ભાવિન ઠક્કર, અમિતભાઈ ગોસ્વામી, હાર્દિકભાઈ સોની, દેવાભાઈ રબારી, મનનભાઈ લુહાર, તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહભાઈ રાઠોડ, જીતુભા જાડેજા, પરેશભાઈ સાધુ, લાલજીભાઈ રામાણી તેમજ પીઆઈ એ.એમ. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નગરપાલિકાના પદાધિકારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મેળામાં બખમલાખડાની પરંપરાગત રમતને મળેલા પ્રતિસાદથી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar