


કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા ખાતે નગરપાલિકાના સંકલનથી વેપારી મંડળ હોલમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીઓ સુધી વારંવાર ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક સ્તરે જ જરૂરી માર્ગદર્શન તથા સેવાઓ મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નખત્રાણા વિસ્તારના વિવિધ લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જે લોકો અત્યાર સુધી કોઈ કારણસર યોજનાનો લાભ મેળવી શક્યા ન હતા, તેમને જરૂરી પ્રક્રિયા સમજાવી સ્થળ પર જ વિવિધ અરજીઓ અને ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક લોકોએ સરકારની યોજનાઓ અંગે જાણકારી મેળવી તેનો લાભ લેવા માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.
આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સરકારી યોજનાઓની માહિતી અને તેનો લાભ સરળતાથી મળી રહે તે માટે ‘સેવા સેતુ’ જેવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી આવવા માટે સમય અને નાણાં ખર્ચવા ન પડે તે માટે વિવિધ વિસ્તારોને ક્લસ્ટરમાં જોડીને ગામડાઓમાં જ સેવાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે યોજાતા આવા કાર્યક્રમોથી નાગરિકોને એક જ સ્થળે વિવિધ યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને અરજી પ્રક્રિયાની સુવિધા મળી રહે છે.
કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજવલ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, મામલતદાર રાકેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી એ.કે. પ્રસાદ, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપપ્રમુખ દમયંતીબેન પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સદસ્યો તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ભાર એ રહ્યો કે બાકી રહેલા પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે અને સરકારી સેવા તેમના માટે વધુ સરળ, સુલભ અને નજીક બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar